ગઢડા(સ્વામીના) પંથકમાં ચોમાસાની સમયસર સારી શરૂઆત થતા સમગ્ર પંથકમાં સતત શરૂ રહેલા વરસાદના પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આ વરસાદના કારણે મોટાભાગના ડેમ તેમજ નદીનાળાં છલકાઈ જતા સિઝનના પ્રથમ વરસાદે રેકોર્ડ સર્જ્યો હતો.
ગઢડા શહેર તેમજ સમગ્ર પંથકમાં ગત સાંજથી રાત્રિ દરમિયાન સતત વરસાદ શરૂ રહયો હતો. ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે મોટાભાગના નદીનાળાં છલકાઈ જતા વાતાવરણ ઠંડુગાર બની જવા પામેલ છે. શ્રીકાર વરસાદના પગલે અને પાણીની આવક ધરતીપુત્રોમાં આશાના સંચાર વચ્ચે આનંદની લહેર છવાઈ જવા પામી છે. ગઢડા શહેરમા ગત સાજથી સવાર સુધીમાં ચૌદ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ વરસાદના કારણે મોટાભાગના રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા મોટાભાગના રસ્તાઓ બંધ થઈ જતા એસ.ટી. સહિત વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. આ વરસાદમાં ઘેલો નદી સહિત કેટલીક જગ્યાએ નાના મોટા વાહનો સાથે ચાલકો ફસાવાની તથા તણાઈ જવાની ઘટના બનતા રેસકયુ કરી બચાવકાર્ય હાથ ધરાયું હતુ. વરસાદ દરમિયાન તકેદારીના ભાગરૂપે સરકારી તંત્ર સજજ થતા નિરિક્ષણ કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ વરસાદમાં પૂર જેવી જોખમી પરિસ્થિતિમાં સુરક્ષા માટે અવરજવર નહી કરવા તેમજ ઘરમાં રહેવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. વધારે જાણવા મળતી વિગત અનુસાર સતત વરસાદના કારણે ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતા નદિ નાળા ઓવરફ્લો થતાં અનેક ગામોના રસ્તાઓ થયા બંધ થઈ ગયા છે. જેમાં ગઢડા થી નિંગાળા -રોહિશાળા, ઉગામેડી થી ઝીઝાવદર, પ્રહલાદગઢ થી રાજપીપળા, રાજપરાના પાટીયા થી હામાપર ગામ તરફ, બોડકી વનાળી અને ગઢાળી, ટાટમ થી ભીમડાદ રોડપર બાવળ પડતા રસ્તો બંધ, સમઢીયાળા – મોટી કુંડળ ભીમોરીમાના મંદિર પાસે નવુ બનેલ નાળા મા ગાબડું પડવા સહિતના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા.