હજારો કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને ભારત લાવવાના પ્રયાસોને મોટો વેગ મળ્યો છે. બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત ‘કોર્ટ ઓફ કેસેશન’એ મેહુલ ચોક્સીની ભારત પ્રત્યાર્પણ સામે દાખલ કરાયેલી અરજીને ફગાવી દેતા તેને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું હતું કે ચોક્સી પ્રત્યાર્પણ અટકાવવા માટે કોઈ મજબૂત કાનૂની કે તથ્યાત્મક આધાર રજૂ કરી શક્યો નથી અને તેની દલીલો નબળી તથા આધારવિહિન છે.
અદાલતે નોંધ્યું હતું કે ભારત તરફથી માંગવામાં આવેલું પ્રત્યાર્પણ ભારતીય કાયદા તેમજ યુરોપિયન માનવાધિકાર ધોરણોને સંપૂર્ણ રીતે અનુરૂપ છે. આ સાથે કોર્ટે મેહુલ ચોક્સી પર 104 યુરોનો દંડ પણ ફટકાર્યો છે. મેહુલ ચોક્સીએ દલીલ કરી હતી કે ભારત મોકલવામાં આવે તો તેને ન્યાય નહીં મળે અને તેની સાથે અમાનવીય વ્યવહાર થઈ શકે છે, પરંતુ કોર્ટે કહ્યું હતું કે આવા જોખમો સાબિત કરવા માટે રજૂ કરાયેલા દસ્તાવેજો અપૂરતા છે.
એન્ટિગુઆમાંથી તેના કથિત અપહરણના પ્રયાસો અને મીડિયા રિપોર્ટ્સના આધાર પર કરવામાં આવેલી દલીલોને પણ અદાલતે ફગાવી દીધી હતી. મહત્વપૂર્ણ વાત એ છે કે ભારત સરકારે બેલ્જિયમ સરકારને ચોક્સીની સુરક્ષા, જેલ વ્યવસ્થા, માનવાધિકાર અને મેડિકલ સુવિધાઓ અંગે સ્પષ્ટ અને લેખિત ખાતરીઓ આપી હતી, જેના પર બેલ્જિયમની અદાલતે સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે CBIના આરોપપત્ર મુજબ 13 હજાર કરોડ રૂપિયાના PNB કૌભાંડમાં મેહુલ ચોક્સીએ એકલાએ અંદાજે 6,400 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે.
મુંબઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા જારી કરાયેલા ધરપકડ વોરંટના આધારે ભારત સરકારે 27 ઓગસ્ટ, 2024ના રોજ બેલ્જિયમને પ્રત્યાર્પણ માટે ઔપચારિક વિનંતી મોકલી હતી. આ તાજા ચુકાદા બાદ હવે મેહુલ ચોક્સીને ભારત લાવી કાયદાની કટઘરામાં ઉભો કરવાની પ્રક્રિયા વધુ સરળ અને મજબૂત બની ગઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel