દિલ્હી હાઈકોર્ટે પરસ્પર સંમતિથી થતા છૂટાછેડાના મામલામાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સ્પષ્ટતા કરી છે. કોર્ટએ જણાવ્યું છે કે હિન્દુ લગ્ન અધિનિયમ, 1955 હેઠળ છૂટાછેડા માટે એક વર્ષ સુધી અલગ રહેવાની શરત દરેક કેસમાં ફરજિયાત નથી. ન્યાયમૂર્તિ નવીન ચાવલા, અનુપ જયરામ ભંબાણી અને રેણુ ભટનાગરની ત્રણ સભ્યોની વિશેષ બેન્ચે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે કલમ 13B(1) હેઠળ ઉલ્લેખિત એક વર્ષનો અલગતાનો સમયગાળો કાનૂની માર્ગદર્શિકા છે, કડક અને અચૂક નિયમ નથી. કોર્ટનું માનવું છે કે જો પતિ-પત્ની બંને સહમતિથી લગ્નબંધન સમાપ્ત કરવા ઈચ્છે છે અને તેમના સંબંધોમાં સુધારાની કોઈ શક્યતા નથી, તો તેમને બિનજરૂરી રીતે દુઃખદ અને અનિચ્છનીય વૈવાહિક સંબંધમાં બાંધી રાખવાનો કોઈ અર્થ નથી.
હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે એક વર્ષના અલગતાના સમયગાળાની માફી અને કલમ 13B(2) હેઠળની બીજી અરજી માટેનો છ મહિનાનો કૂલિંગ-ઓફ પિરિયડ — બંને અલગ અને સ્વતંત્ર બાબતો છે, અને એકની માફી આપવાથી આપમેળે બીજીની માફી મળતી નથી. કોર્ટએ ચેતવણી આપતા જણાવ્યું કે ફક્ત વિનંતી કરવાથી સમયગાળાની માફી નહીં મળે; આવી રાહત માત્ર ત્યારે જ આપવામાં આવશે જ્યારે અરજદાર અપવાદરૂપ મુશ્કેલી, ગંભીર પરિસ્થિતિ અથવા અતિ વિકટ સંજોગો સાબિત કરે.
આ સાથે કોર્ટએ જણાવ્યું કે જો ખોટી માહિતીના આધારે સમયગાળાની માફી લેવામાં આવી હોય, તો કોર્ટ પાસે છૂટાછેડાની તારીખ લંબાવવાનો કે અરજી રદ કરવાનો અધિકાર રહેશે. જોકે, ન્યાયના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને, યોગ્ય સમયગાળો પૂર્ણ થયા બાદ પતિ-પત્ની ફરીથી નવી અરજી કરી શકે છે. આ ચુકાદો ફેમિલી કોર્ટ અને હાઈકોર્ટ બંને માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા સાબિત થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel