ગુજરાત સ્થાપના દિનના અવસર પર સુરત ખાતે યોજાયેલા ગુજરાત ગૌરવ દિન કાર્યક્રમમાં વડોદરાની પ્રતિભાશાળી યુવતી હેત્વી ખીમસુરિયાને પ્રતિષ્ઠિત “ગુજરાત ગરિમા એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવી છે. આ કાર્યક્રમ ઓરા યુનિવર્સિટી ખાતે યોજાયો હતો, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ એવોર્ડ એનાયત થયો.
હેત્વી ખીમસુરિયા 75 ટકા મનોદિવ્યાંગ હોવા છતાં પોતાના અડગ મનોબળ અને આત્મવિશ્વાસના બળે કલા અને રમતગમત ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમની આ સિદ્ધિઓએ તેમને માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશિષ્ટ ઓળખ અપાવી છે.
હેત્વીને વર્ષ 2024માં કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી, જે તેમની પ્રતિભા અને મહેનતનું મોટું માન્યતા ચિહ્ન છે. પઝલ સોલ્વિંગ અને ફ્રી હેન્ડ પેઇન્ટિંગ જેવા ક્ષેત્રોમાં તેમણે અનોખી કળા પ્રદર્શિત કરી છે અને અનેક સ્પર્ધાઓમાં વિજય મેળવીને ગુજરાતનું નામ ઊંચું કર્યું છે.
તાજેતરમાં યોજાયેલી નેશનલ સ્તરની સેરેબ્રલ પાલસી ચેમ્પિયનશિપ 2026માં પણ હેત્વીએ શોટપુટ અને ભાલાફેંક સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ જીતીને ફરી એકવાર રાજ્યનું ગૌરવ વધાર્યું છે. અનેક શારીરિક પડકારો વચ્ચે પણ તેમણે જે રીતે સફળતા મેળવી છે, તે ખરેખર પ્રેરણાદાયક છે.
હેત્વી પોતાના માતા-પિતાની એકમાત્ર દીકરી છે અને તેમની આ સફર દર્શાવે છે કે મજબૂત ઈચ્છાશક્તિ અને આત્મવિશ્વાસથી કોઈપણ પડકારને પાર કરી શકાય છે. આજે તેઓ દિવ્યાંગ સમાજ માટે એક જીવંત પ્રેરણાસ્ત્રોત બની છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel