સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા પ્રવક્તા કાળુ વઘાસીયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો વચ્ચે પોલીસે તેને ધરપકડ કરી લીધી છે. 38 વર્ષીય વિધવા મહિલાએ તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપીએ લગ્નના ખોટા વાયદા કરીને મહિલાનું વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. કેસ નોંધાયા પછીથી કાળુ વઘાસીયા પોલીસથી બચવા માટે ફરાર હતો, પરંતુ અંતે સુરત પોલીસે તેને ઝડપી પાડ્યો છે.
શું છે સમગ્ર મામલો?
પીડિત મહિલાએ પોલીસને આપેલી માહિતી મુજબ, લગભગ દોઢ વર્ષ પહેલાં ફેસબુક મારફતે તેની કાળુ વઘાસીયા સાથે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે નજીકતા વધતી ગઈ હતી. આરોપીએ પોતાનું પત્ની સાથે અણબનાવ હોવાનું જણાવી મહિલાને લગ્ન કરવાનો વિશ્વાસ આપ્યો હતો. આ વિશ્વાસના આધારે તેણે મહિલાના ઘરે તેમજ વિવિધ હોટેલોમાં અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા.
લસકાણા પોલીસ સ્ટેશનમાં એક મહિના પહેલાં બળાત્કારનો ગુનો નોંધાયો હતો. ત્યારથી આરોપી સતત સ્થળ બદલતો રહ્યો હતો જેથી પોલીસ તેને પકડી ન શકે.
કેવી રીતે ઝડપાયો આરોપી?
પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કાળુ વઘાસીયા વાપી, વડોદરા અને બોટાદ જેવા શહેરોમાં હોટેલોમાં રહેતો હતો. દરમિયાન પૈસા ખૂટી જતા તે પોતાના મિત્ર પાસેથી રૂપિયા લેવા સુરતમાં આવ્યો હતો. આ માહિતી મળતા જ પોલીસે તરત જ કાર્યવાહી કરી અને લસકાણા વિસ્તારના ડાયમંડ નગર પાસેથી તેને ધરપકડ કરી લીધી.
પીડિતાની પૃષ્ઠભૂમિ
પીડિત મહિલા ઘરેથી સાબુ અને શેમ્પૂનું ઓનલાઈન વ્યવસાય ચલાવે છે. તેણી વિધવા છે અને સોશિયલ મીડિયા દ્વારા થયેલી ઓળખાણ બાદ આરોપીએ તેનો વિશ્વાસ જીતી લીધો હતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel