વડોદરાના રાવપુરા વિસ્તારમાં ખારીવાવ રોડ પર મોડી રાત્રે બનેલી એક હત્યાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. કેટરિંગના ધંધાની જૂની અદાવતમાં એક વેપારીની છરીના ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા, જ્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં વડોદરાના વડસર રોડ પર સમર્પણ સોસાયટીમાં રહેતા બાબુસિંહ ચૌહાણ છેલ્લા 20 વર્ષથી કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા હતા. તેઓ કાકાસાહેબના ટેકરા વિસ્તારમાંથી પોતાનો ધંધો સંચાલિત કરતા હતા.
મૃતકની પત્ની રૂપાબહેને પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, 28 મેના રોજ સાંજે બાબુસિંહ પોતાના મિત્રોને ઈદ મુબારક કહેવા માટે ઘરેથી નીકળ્યા હતા. રાત્રે લગભગ 12 વાગ્યે થયેલા ફોનમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ હિરેન ઠક્કર સાથે જમવા ગયા છે અને બંને વચ્ચે કેટરિંગના ધંધાને લઈને બોલાચાલી થઈ રહી છે.
આ પછી રાત્રે આશરે 1:30 વાગ્યે પરિવારને માહિતી મળી કે બાબુસિંહ દાંડિયા બજાર નજીક તેમની કારમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યા છે. પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે કાર સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અથડાયેલી હતી અને ડ્રાઇવિંગ સીટ પર બાબુસિંહ લોહીલુહાણ હાલતમાં મૃત પડ્યા હતા. તેમના શરીરે ખાસ કરીને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા મારવામાં આવ્યા હોવાના નિશાન જોવા મળ્યા હતા.
પરિવારે સીધો આક્ષેપ કર્યો છે કે હિરેન ઠક્કરે જૂની અદાવત અને બોલાચાલી દરમિયાન હત્યા કરી હતી. સાથે જ આ ઘટનાને માર્ગ અકસ્માત તરીકે બતાવવા માટે કારને થાંભલા સાથે અથડાવી દેવામાં આવી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
રાવપુરા પોલીસે ગુનો નોંધીને મુખ્ય આરોપી હિરેન ઠક્કરની અટકાયત કરી છે અને તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરવા માટે FSL અને ડોગ સ્ક્વોડની મદદ લીધી છે. ઉપરાંત, આસપાસના CCTV ફૂટેજ અને કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR)ના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે પણ તપાસાઈ રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel