સુરત શહેરમાં રહેણાંક વિસ્તારોમાં ચાલતા જુગારના અડ્ડાઓ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી એક પોશ બિલ્ડિંગમાં માત્ર મહિલાઓ માટે ચાલતી હાઈપ્રોફાઈલ જુગારક્લબનો પર્દાફાશ થયો છે. ઉત્રાણ પોલીસે ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડી ફ્લેટ માલિકની પત્ની સહિત કુલ 7 મહિલાઓને રંગેહાથ ઝડપી પાડી છે.
ગુપ્ત બાતમીના આધારે મહિલા પોલીસ સાથે કાર્યવાહી
ઉત્રાણ પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે મોટા વરાછા વિસ્તારમાં આવેલી સેન્ટોસા હાઈટ્સ બિલ્ડિંગના B-બ્લોકના ફ્લેટ નંબર-202માં એક મહિલા બહારથી મહિલાઓને બોલાવી જુગાર રમાડે છે. બાતમીના આધારે પોલીસે મહિલા પોલીસ સ્ટાફ સાથે આયોજનબદ્ધ રીતે ફ્લેટ પર દરોડો પાડ્યો હતો.
પોલીસ ફ્લેટમાં પ્રવેશતા જ અંદરનું દ્રશ્ય જોઈને ચોંકી ઉઠી હતી. ACની ઠંડક વચ્ચે ફ્લેટના હોલમાં મહિલાઓ ગોળ કુંડાળું વળી ગંજીપાનાના પત્તા વડે તીનપત્તીનો જુગાર રમી રહી હતી. પોલીસને અચાનક સામે જોઈ મહિલાઓમાં ભારે ફફડાટ મચી ગયો હતો. જોકે મહિલા પોલીસ સ્ટાફે તમામ મહિલાઓને સ્થળ પર જ ઝડપી લીધી હતી.
તમામ મહિલાઓ મૂળ સૌરાષ્ટ્રની વતની
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલી તમામ મહિલાઓ હાલ સુરતના અલગ-અલગ વિસ્તારોમાં રહે છે, પરંતુ તેઓ મૂળ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની વતની છે. ફ્લેટ માલિકની પત્ની દ્વારા આ જુગારક્લબ ચલાવવામાં આવતી હોવાની પણ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.
રોકડ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત
ઉત્રાણ પોલીસે દરોડા દરમિયાન જુગારના દાવમાંથી તેમજ મહિલાઓની અંગઝડતી દરમિયાન કુલ રૂ.20,430ની રોકડ રકમ કબજે કરી હતી. આ ઉપરાંત રૂ.21,000ની કિંમતના 5 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અને ગંજીપાનાના પત્તા મળી કુલ રૂ.45,430નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે તમામ સાતેય મહિલાઓ વિરુદ્ધ જુગારધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોશ બિલ્ડિંગમાં ચાલતા મહિલાઓના જુગારધામનો પર્દાફાશ થતા સમગ્ર મોટા વરાછા વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.
SUDARSHAN TEAM
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel