બનાસકાંઠા જિલ્લાના ડીસા-ધાનેરા હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. કંસારી ગામ નજીક એક લક્ઝરી કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી પિલ્લર સાથે અથડાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
મળતી માહિતી મુજબ, કાર પૂરપાટ ઝડપે હાઈવે પર જઈ રહી હતી ત્યારે અચાનક ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું. બેકાબૂ બનેલી કાર રોડની નીચે ઉતરી ગઈ હતી અને કિલોમીટર દર્શાવતા પથ્થરના પિલ્લર સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું.
આ ઘટનામાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે કાર પર કોઈ નંબર પ્લેટ ન હતી અને વાહનમાં નિયમ વિરુદ્ધ કાળા કાચ લગાવવામાં આવ્યા હતા. જેના કારણે સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
અકસાન્ત બાદ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. સ્થાનિકોએ પોલીસ અને આરટીઓ તંત્ર પાસે માંગ કરી છે કે હાઈવે પર આવા શંકાસ્પદ વાહનો સામે કડક ચેકિંગ કરવામાં આવે અને નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને કારના માલિક તથા ચાલક વિશે માહિતી મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel