જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરના કારણે વ્યાપક વિનાશ સર્જાયો છે. પહાડી વિસ્તારોમાં મકાનો ધરાશાયી થવા, રસ્તાઓ ધોવાઈ જવા અને નદીઓમાં પાણીનું સ્તર વધવાથી પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. છેલ્લા બે દિવસમાં હવામાન સંબંધિત વિવિધ દુર્ઘટનાઓમાં કુલ 24 લોકોનાં મોત થયા છે, જ્યારે છ લોકો હજુ પણ લાપતા હોવાનું જણાવવામાં આવ્યું છે.
પુંચમાં એક જ પરિવારના સાત સભ્યોનાં મોત
પુંચ જિલ્લો આ કુદરતી હોનારતથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. સુરનકોટ વિસ્તારના લોરન ગામમાં પહાડ પરથી ભારે કાદવ અને મલબો ધસી પડતાં એક કાચું મકાન સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટનામાં એક જ પરિવારના સાત સભ્યોનાં કરૂણ મોત નીપજ્યાં છે. મૃતકોમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
રાજૌરી અને પુંચ જિલ્લામાં બે દિવસ દરમિયાન કુલ 21 લોકોનાં મોત નોંધાયા છે. અનેક વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી ચાલુ રાખવામાં આવી છે, પરંતુ સતત વરસાદ અને ખરાબ હવામાનના કારણે ટીમોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
#WATCH | J&K: Heavy rainfall has resumed in Bhalesa, Doda. The administration has urged people to avoid rivers, nallahs, and landslide-prone areas as the risk of flash floods and landslides remains high. Emergency services are on alert. pic.twitter.com/PjNo6CHxXe
— ANI (@ANI) July 21, 2026
નદીઓમાં પૂર, અનેક ગામડાઓનો સંપર્ક કપાયો
જમ્મુ-કાશ્મીરની તવી અને ચિનાબ નદી સહિત અનેક નાળા અને સ્થાનિક નદીઓ ભયજનક સપાટીએ વહી રહ્યાં છે. રાજૌરી જિલ્લામાં ઉફાન પર આવેલી મનાવર નદીમાંથી હેલિકોપ્ટરની મદદથી એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
ભારે વરસાદને કારણે અનેક મુખ્ય અને આંતરિક રસ્તાઓ ધોવાઈ ગયા છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં અનેક ગામડાઓનો જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક પણ કપાઈ ગયો છે. વહીવટીતંત્ર દ્વારા ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Jammu–Poonch National Highway is closed due to a landslide at Madana. Restoration work is underway, with men and machinery deployed to clear the road. Commuters are advised to avoid the route & follow official traffic updates.@airnewsalerts
Report: @anubhav_misri pic.twitter.com/dvxFwaUX7J
— Akashvani News Jammu (@radionews_jammu) July 21, 2026
ડોડામાં મુસાફર બસ પર વિશાળ ખડક પડ્યો
ડોડા જિલ્લામાં ભદ્રવાહથી જમ્મુ તરફ જઈ રહેલી મુસાફર બસ પર પહાડ પરથી વિશાળ ખડક પડતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે મુસાફરોનાં મોત થયા છે, જ્યારે ચાર મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અમરનાથ અને વૈષ્ણોદેવી સહિત અનેક યાત્રાઓ સ્થગિત
હવામાનની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સતત બીજા દિવસે અમરનાથ યાત્રા, માતા વૈષ્ણોદેવી યાત્રા, રિયાસી સ્થિત શિવખોડી યાત્રા અને કિશ્તવાડની સરથલ યાત્રા સ્થગિત રાખવામાં આવી છે.
જોકે અમરનાથ ધામ માટે બાલ્તાલ માર્ગેથી કેટલાક શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. કટડા ખાતે 15 હજારથી વધુ શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.
વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર અનેક સ્થળે પથ્થરો પડવા અને ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. યાત્રા અગાઉથી બંધ રાખવામાં આવી હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને શ્રાઇન બોર્ડના કર્મચારીઓ માર્ગ પરથી મલબો હટાવી તેને ફરી સુરક્ષિત બનાવવાની કામગીરી કરી રહ્યા છે.
મૃતકોના પરિવારોને છ લાખ રૂપિયાની સહાય
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રાજ્ય સરકારે દરેક મૃતકના પરિવારને છ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી, આરોગ્ય સેવાઓ અને બચાવ કામગીરી ઝડપથી પહોંચાડવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
23 જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં 23 જુલાઈ સુધી ભારે વરસાદ, અચાનક પૂર અને ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરી છે. લોકોને નદીઓ, નાળા, ઢોળાવવાળા વિસ્તારો અને ભૂસ્ખલન સંભવિત માર્ગોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
વહીવટીતંત્રે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દીધી છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel