દેશભરમાં NEET-UG પરીક્ષા અને પેપર લીકના વિવાદ વિરુદ્ધ ચાલી રહેલા ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે દેશના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. દિલ્હીના જંતર-મંતર પર મોટી સંખ્યામાં એકઠા થયેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી સહિતના તમામ વિપક્ષી દળોના સતત દબાણ બાદ તેમણે આ મોટો નિર્ણય લીધો છે.
“પ્રથમ દિવસથી જ લીધી હતી સંપૂર્ણ જવાબદારી”
વડાપ્રધાનને લખેલા પોતાના રાજીનામાના પત્રમાં ધર્મેન્દ્ર પ્રધાને ઉલ્લેખ કર્યો છે કે, “મેં પ્રથમ દિવસથી જ આ પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી લીધી હતી અને ક્યારેય પણ પોતાની જવાબદારીમાંથી પીછેહઠ કરી નથી.“તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારનો દ્રઢ સંકલ્પ છે કે પરીક્ષા માફિયાઓના કારણે દેશના કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થીનું ભવિષ્ય બગાડવા દેવામાં આવશે નહીં અને કોઈ પણ વિદ્યાર્થી સાથે અન્યાય થશે નહીં.
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 25, 2026
વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે લીધો નિર્ણય
પોતાના પત્રમાં તેમણે ૧૬ જુલાઈના રોજ જાહેર થયેલા NEET-UGના પરિણામોનો ઉલ્લેખ કરતા લખ્યું કે આ પરિણામો સંતોષજનક રહ્યા હતા, જેમાં ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવતા અનેક મેધાવી વિદ્યાર્થીઓને પણ સફળતા મળી છે.
તેમણે ઉમેર્યું કે દેશના લાખો યુવાનો અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય કાનૂની ગૂંચવણો અને વિવાદોમાં ન અટવાય તથા બાળકો પોતાનો કિંમતી સમય ભણતરમાં અને કારકિર્દી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે, તે માટે તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને પદ છોડવાનો નિર્ણય કર્યો છે.
પીએમ મોદી અને ઓડિશાની જનતાનો માન્યો આભાર
પત્રના અંતમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સતત મળેલા માર્ગદર્શન અને તમામ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સાથે જ તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે તેઓ ભવિષ્યમાં પણ ભારત માતા, ઓડિશાની જનતા અને દેશના યુવાનોની સેવામાં પૂર્ણ સમર્પણ સાથે કાર્યરત રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel