23 જુલાઈના અતિભારે વરસાદ અને ખાડીપૂરની સ્થિતિએ સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ સામે અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર ઊભો કર્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ અટકી જતાં રસ્તાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આવી વિકટ પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગે રેકોર્ડબ્રેક કામગીરી કરીને એક જ દિવસમાં 2,915.03 MLD પાણીનું પંપિંગ અને 1,633.40 MLD ગંદા પાણીની ટ્રીટમેન્ટ કરી નવી સિદ્ધિ નોંધાવી છે.
અતિભારે વરસાદ અને ખાડીના ઊંચા જળસ્તરના કારણે વરસાદી પાણી આઉટફોલ મારફતે બહાર નીકળી શકતું નહોતું. જેના કારણે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની હતી. પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે મહાનગરપાલિકાએ અનેક સ્થળોએ ગટરના ઢાંકણા ખોલવાની ફરજ પડી હતી. પરિણામે વરસાદી પાણી, ગંદા પાણી અને કેટલાક વિસ્તારોમાં ખાડીનું પાણી સીધું જ સિવરેજ નેટવર્કમાં પ્રવેશવા લાગ્યું હતું.
સામાન્ય દિવસોમાં ડ્રેનેજ સિસ્ટમ મુખ્યત્વે ગંદા પાણીનો જ પ્રવાહ સંભાળે છે, પરંતુ 23 જુલાઈએ સમગ્ર નેટવર્ક પર અસાધારણ હાઇડ્રોલિક લોડ સર્જાયો હતો. તેમ છતાં શહેરના તમામ સિવરેજ પંપિંગ સ્ટેશન (SPS) અને સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) સતત કાર્યરત રહ્યા હતા અને કામગીરીમાં કોઈ મોટો ટેકનિકલ વિક્ષેપ નોંધાયો નહોતો.
ડ્રેનેજ વિભાગના સત્તાવાર આંકડા મુજબ, 23 જુલાઈના રોજ કુલ 2,915.03 MLD પાણીનું પંપિંગ કરવામાં આવ્યું હતું. જૂન 2026 દરમિયાન ડાયવર્ટેડ ફ્લો સહિતનો સરેરાશ પ્રવાહ 1,838 MLD હતો. આ રીતે સામાન્ય દિવસોની સરખામણીએ લગભગ 59 ટકા વધુ પ્રવાહનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.
ગંદા પાણીની ટ્રીટમેન્ટમાં પણ નવો રેકોર્ડ નોંધાયો હતો. શહેરના STP દ્વારા એક જ દિવસમાં 1,633.40 MLD ગંદા પાણીની ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી, જ્યારે જૂન મહિનાની સરેરાશ ટ્રીટમેન્ટ 1,238 MLD હતી. એટલે કે સામાન્ય દિવસોની સરખામણીએ લગભગ 32 ટકા વધુ ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી.
સુરતમાં 7 જુલાઈના રોજ થયેલા ભારે વરસાદ બાદ કેટલાક ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સર્જાયેલી ટેકનિકલ સમસ્યાઓમાંથી પાઠ શીખીને હાઇડ્રોલિક વિભાગે અગાઉથી તૈયારીઓ કરી હતી. જેના કારણે 23 જુલાઈની વધુ પડકારજનક પરિસ્થિતિમાં પણ સમગ્ર ડ્રેનેજ નેટવર્ક કાર્યરત રાખવામાં સફળતા મળી હતી.
પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, શહેરના SPS અને STP પર અત્યાર સુધીનો સૌથી મોટો હાઇડ્રોલિક લોડ સર્જાયો હોવા છતાં તમામ સિસ્ટમોએ ક્ષમતાથી વધુ કામગીરી કરી હતી. આ કામગીરી સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ માટે રેકોર્ડબ્રેક સિદ્ધિ તરીકે નોંધાઈ છે.
મહાનગરપાલિકાના આંકડાઓ દર્શાવે છે કે આધુનિક ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સમયસરની કામગીરીના કારણે શહેરને વધુ ગંભીર સ્થિતિમાંથી બચાવવામાં સફળતા મળી હતી. ભારે વરસાદ અને ખાડીપૂર જેવી દ્વિગુણી કુદરતી પડકાર વચ્ચે પણ શહેરની ડ્રેનેજ વ્યવસ્થાએ પોતાની ક્ષમતાનો શ્રેષ્ઠ દેખાવ કર્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel