ખેડૂતો અને મધ્યમ વર્ગની આવક વધારવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘ખેડૂતોની આવક વધારવા માટે તેમજ મધ્યમ વર્ગની ખાદ્ય સુરક્ષા માટે મહત્ત્વની બે યોજનાઓને કેબિનેટે મંજૂરી આપી છે. કેબિનેટે કૃષિ વિકાસ યોજના (PM Rashtriya Krishi Vikas Yojana) કૃષક ઉન્નતી યોજના (Krishonnati Yojana)ને મંજૂરી આપી છે. બંને યોજના હેઠળ જુદી જુદી નવ યોજનાઓનો સમાવેશ થાય છે, જેનું બજેટ 1,01,321 કરોડ રૂપિયા હશે.
ખાદ્ય તેલોનું ઉત્પાદન બે કરોડ ટન કરવાનું લક્ષ્ય
આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટે કૃષક ઉન્નતી યોજના હેઠળની નવ યોજનાઓમાંથી એક ‘ખાદ્ય તેલ પર રાષ્ટ્રીય મિશન – તેલીબિયાં’ યોજના માટે 10,103 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ ખાદ્ય તેલોનું ઉત્પાદન 2031 સુધીમાં 1.27 કરોડ ટનથી વધારીને બે કરોડ ટન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
યોજના માટે રાજ્યોને ફાળવાશે 32,232.63 કરોડ રૂપિયા
કેબિનેટની બેઠકમાં બંને યોજના માટે પ્રસ્તાવ કરાયેલા ખર્ચ 1,01,321.61 કરોડ રૂપિયામાંથી 69,088.98 કરોડ રૂપિયા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને ફાળવાશે, જ્યારે બાકીના 32,232.63 કરોડ રૂપિયા રાજ્યોને ફાળવવામાં આવશે. બંને યોજનાઓની રકમની વાત કરીએ તો કૃષિ વિકાસ યોજના માટે 57,074.72 કરોડ રૂપિયાની અને કૃષક ઉન્નતી યોજના માટે 44,246.89 કરોડ રૂપિયાની મંજૂરી અપાઈ છે.