પ્રાકૃતિક ખેતીના લાભ વિશે આજે નાના-મોટા તમામ ખેડુતો જાગૃત થયા છે. ખેડા જિલ્લાના 45 વર્ષીય ખેડૂત શ્રી પ્રશાંતભાઈ પટેલ પરાંપરાગત ખેતીની સાથે સાથે છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. નડિયાદ તાલુકાના ચકલાસી ગામના ખેડૂત શ્રી પ્રશાંતભાઈ 45 વિધા જમીન ધરાવે છે. આ સીઝનમાં તેમણે 6 વિધા જમીનમાં ભીંડા અને 3 વિધા જમીનમાં રીંગણનું વાવેતર કર્યુ છે.
તેઓ પોતાના ફાર્મમાં 15 જેટલી ગાય રાખે છે જેના છાણ અને મૂત્રનો સક્રિય રીતે ખેતીમાં ઉપયોગ કરે છે. પ્રશાંતભાઈએ તેમના ખેતરમાં જ જીવામૃત અને બાયોપેસ્ટીસાઈડ પ્લાન્ટ બનાવ્યો છે. પોતાની ગાયના મુત્ર અને છાણનો ઉપયોગ કરી તેઓ બાયોપેસ્ટીસાઈડ પ્લાન્ટ થકી જીવામૃત બનાવે છે અને વાવેતરમાં સીધો જ છંટકાવ કરે છે.
આ રીતે પ્રાકૃતિક ખેતીમાં ટેકનોલોજીની મદદ લઈ પ્રશાંતભાઈએ પોતાની ખેતી સુધારી છે અને જિલ્લાનાં અન્ય યુવા ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ થયા છે.