આદિવાસી ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરીને સારુ ઉત્પાદન અને આવક મેળવી રહ્યાં છે – સાંસદ મનસુખભાઈ વસાવા
મહાનુભાવોના હસ્તે ખેતીક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
નર્મદા જિલ્લાના ખેડૂતોને ખેડૂતલક્ષી યોજનાઓ અને પ્રાકૃતિક કૃષિ અંગે માહિતગાર અને માર્ગદર્શિત કરવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ખેતીવાડી વિભાગ નર્મદાના સંયુક્ત ઉપક્રમે દેડિયાપાડા તાલુકાના આદર્શ નિવાસી શાળાના પટાંગણમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો.
આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, આપણા આદિવાસી ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરીને સારુ ઉત્પાદન અને આવક મેળવી રહ્યાં છે. પરંતુ આજે પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે. વધુમાં ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવવા માટે આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સમયાંતરે તાલીમ અને માર્ગદર્શન પુરુ પાડી રહ્યાં છે.
સાંસદ વસાવાએ ઉમેર્યુ કે, પ્રાકૃતિક ખેતી માટે પશુધન જરૂરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આદિવાસી ખેડૂતોને ખેતી, પશુપાલન અને ડેરી ક્ષેત્રે ખુબ મદદ કરી રહી છે. ત્યારે આપણા ખેડૂતો ખેતી સહિત પશુપાલન વ્યવસાયને પૂરક વ્યવસાય તરીકે અપનાવી સારી આવક મેળવી શકે છે. સરકારે આદિવાસી સમુદાયને કેન્દ્રસ્થાને રાખીને વિવિધ યોજનાઓ અમલી બનાવી છે જેનો લાભ લેવા પણ વસાવાએ ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મોતીભાઈ વસાવાએ જળ, જંગલ અને જમીનને બચાવવા માટે પ્રકૃતિપ્રેમી આદિવાસી ખેડૂત બાંધવોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. વધુમાં જમીનના પ્રકારને ધ્યાને લઈને ખેતીની આવકમાં વધારો કરતી સરકારની પ્રભાવશાળી સોઈલ હેલ્થ કાર્ડ વિશે પણ પૂર્વ મંત્રી એ ખેડૂતોને વિસ્તૃત સમજ પુરી પાડી હતી.
કાર્યક્રમમાં તાલુકા કક્ષાના ઉપલબ્ધિ હાંસલ કરનાર શ્રેષ્ઠ ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વેળાએ મહાનુભાવોએ ખેડૂત તાલીમ કેન્દ્ર, પશુપાલન વિભાગ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડિયાપાડા, સામાજિક વનીકરણ વિભાગ, ઇનરેકા સંસ્થાન સહિતની સંસ્થાઓના કૃષિલક્ષી પ્રદર્શનની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સ્ટોલ્સના પ્રતિનિધિઓને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું.
સરકારે નાગરિકો સ્વસ્થ, નિરોગી અને તંદુરસ્ત રહે તે માટે પ્રાકૃતિક ખેતીને પ્રાથમિકતા અને પ્રોત્સાહન આપીને વિવિધ કાર્યક્રમો, ઝુંબેશો થકી ખેડૂતોમાં જાગૃતતા કેળવી રહ્યાં છે, ત્યારે સરકારની બહુમૂલ્ય ખેડૂતલક્ષી સહાય અને પ્રાકૃતિક કૃષિના મહત્વ વિશે નિષ્ણાંતો, સફળ ખેડૂતો તથા કૃષિ વૈજ્ઞાનિક દ્વારા ખેડૂતોને જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેડૂતોને રાગી, જુવાર બાજરી જેવા હલકા ધાન્યની ખેતી કરવા માટે પણ માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડી.કે.શિનોરા, દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.વી.કે પોશિયા, વૈજ્ઞાનિક ડો.મિનાક્ષી તિવારી અને ડો. ડી.બી.ભિંસારા, આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભૌમિક પંચોલી, મદદનીશ ખેતી નિયામક વિનય પટેલ સહિત જિલ્લા-તાલુકાના સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, ખેડૂત લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં દેડિયાપાડા અને સાગબારાના ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.