ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિમાયેલી સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય સી.એલ.મીના આઈ.એ.એસ (નિવૃત)ની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, પાલનપુર ખાતે એક બેઠક યોજાઇ હતી. જેમાં પ્રશ્નોતરી ફોર્મ અને સંવાદ પ્રક્રિયા દ્વારા જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોના મંતવ્યો અને અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. ઉપસ્થિત લોકોએ પોતાના મંતવ્યો અને અભિપ્રાય આપી સમાન સિવિલ કોડ લાગુ કરવાની સરકારની પહેલને આવકારી પોતાના સૂચનો રજૂ કર્યા હતા. મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે.
બેઠકના અધ્યક્ષ સી.એલ.મીનાએ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે નિમાયેલી સમિતિની રચના અને કાર્ય પદ્ધતિથી સૌને અવગત કર્યા હતા. તેમજ આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત જિલ્લામાં સ્થિત સંસ્થાઓને તા.૧૫ એપ્રિલ ૨૦૨૫ પહેલાં વેબ-પોર્ટલ (https://uccgujarat.in) અથવા ટપાલ (સરનામું – સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં. ૧, વિભાગ એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, ગુજરાત – ૩૮૨૦૧૦) દ્વારા તેમના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો મોકલી આપવા અપીલ કરી હતી. કલેક્ટર કચેરી પાલનપુર ખાતે ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોએ ફોર્મ ભરી પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
બેઠકમાં ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો અને ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. મહિલાઓના અધિકારો અને વારસાના અધિકારોના રક્ષણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અધિક કલેક્ટર સી.પી.પટેલ, ગેનાભાઈ પટેલ, પૂર્વ સાંસદો સહિત સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને રાજકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ, વિવિધ સંપ્રદાયના ધર્મગુરુઓ, સમાજ અગ્રણીઓ, કાયદાના નિષ્ણાતો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહી પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કર્યા હતા.