છૂટાછેડા, લગ્ન, ભરણપોષણ, મિલકત અધિકારો, લિવ-ઇન રિલેશનશિપ વિષયો પર પોતાના મંતવ્યો-સુચનોને યુસીસીની વેબ પોર્ટલ, ઇમેલ અથવા ટપાલ મારફતે રજુ કરવા અનુરોધ કરાયો
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડ (UCC)નો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે સૂચનો/મંતવ્યો મેળવવાના ભાગરૂપે તા. ૭/૩/૨૦૨૫ના રોજ સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય દક્ષેસ ઠાકર અને ગીતાબેન શ્રોફની ઉપસ્થિતીમાં તાપી કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં તાપી જીલ્લાના તાપી જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગ, જિલ્લા પોલિસ અધિક્ષક રાહુલ પટેલ,સહિત ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, ધાર્મિક સંસ્થાના વડાઓ, કાયદાના નિષ્ણાતો, સામાજિક કાર્યકરો, નાગરિકો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સમાન સિવિલ કોડના સભ્ય દક્ષેસ ઠાકરે સૌ આદિવાસી અગેવાનો,સમાજકર્તાઓ સહિત નાગરિકોને જણાવ્યું હતુ કે સમાન નાગરિક સંહિતા આદિવાસી સમુદાયની નીતિઓ, નિયમો, રિવાજો અને તેની કાયદાઓનું રક્ષણ કરશે, ખાતરી કરશે કે તેમના અધિકારો અને રિવાજો અપ્રભાવિત રહે. આ કાયદાથી સમાજના રિતી-રિવાજો બદલાશે નહિ પરંતુ જ્યારે કોઇ પણ સમાજના લગ્ન થાય તો એની નોંધણી કરવી જરુરી છે. સમાજ બદલાય તેમ કાયદાઓમાં પણ બદલાવ જરુરી છે એવુ સરકાર માને છે.તેથી આ વિષયો ઉપર વિવિધ મંતવ્યો-સુચનો અગત્યઆ બની રહે છે એમ ઉમેર્યું હતું.
જેમાં સમિતિ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ અને લિવ-ઇન રિલેશનશિપ વિષયોના સમાવેશ કરવા બાબતે વિચારણા કરાશે. ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ અંગે ભેદભાવપૂર્ણ વ્યવહાર દૂર કરવા બાબતે વિચારણા કરાશે. છૂટાછેડા, લગ્ન, ભરણપોષણ, મિલકત અધિકારો બાબતે બધા સમુદાયોમાં એક સમાન કાયદો/આધાર કરવા અંગે વિચારણા કરાશે.