ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા-૨૦૨૪ ની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ કરવામાં આવી છે. જે અંતર્ગત તાપી જિલ્લામાં ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર સમાવિષ્ટ ૨૩-બારડોલી સંસદિય મતવિસ્તારની ચૂંટણી સબંધિત પત્રકાર પરિષદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.વિપિન ગર્ગ, તાપી-વ્યારા ના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિપિન ગર્ગે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે આજરોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની જાહેરાત કરવામાં આવી છે. આપણા ૨૩ બારડોલી સંસદિય મતવિસ્તારમાં આજથી જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ ૨૨ જેટલા નોડલ ઓફિસરો ની નિમણૂંક થઈ ગઈ છે.જુદી જુદી કામગીરી માટે ટીમોની રચના કરી દેવામાં આવી છે. સમગ્ર ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંતર કટીબધ્ધ છે. ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી જિલ્લા સેવાસદનમાં કરી શકાશે. આચારસંહિતાનું પાલન દરેક ઉમેદવારો અને વિવિધ પક્ષો દ્વારા કરવાનું રહેશે. ઉમેદવારની જાણ બહાર કોઈપણ વ્યક્તિ તેનો પ્રચાર કરી શકશે નહીં. ઉમેદવારની લેખિત સંમતિથી જ ચૂંટણી પંચના દિશા-નિર્દેશ મુજબ પ્રચાર કરી શકાશે. લોકશાહીના પર્વ નિમત્તે પોતાની નૈતિક ફરજ સમજીને દરેક નાગરિકે મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.
તાપી જિલ્લામાં તા.૦૫/૦૧/૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ થયેલ આખરી મતદાર યાદી મુજબ કુલ ૫૦૬૫૩૦ મતદારો પૈકી પુરૂષ મતદારો ૨૪૬૧૩૬ અને સ્ત્રી મતદારો ૨૬૦૩૮૯, થર્ડ જેન્ડર કુલ ૫ મતદારો નોંધાયેલા છે. વરિષ્ઠ નાગરિક મતદારો ૩૮૮૪ અને દિવ્યાંગ મતદારો ૨૪૩૬ અને યુવા મતદારો ૧૩૨૮૬ નોંધાયા છે. જ્યારે ૨૩-બારડોલી સંસદિય મતવિસ્તારમાં કુલ મતદારો ૨૦,૩૦,૮૩૦ પૈકી પુરૂષ મતદારો ૧૦,૩૨,૧૦૪ અને સ્ત્રી મતદારો ૯,૯૮,૭૦૫ અને થર્ડ જેન્ડર ૨૧ મતદારો નોંધાયેલા છે.
૧૭૧-વ્યારામાં કુલ ૨૫૬ મતદાન મથકો અને ૧૭૨-નિઝરમાં ૩૩૯ મતદાન મથકો મળીને કુલ-૫૯૫ મતદાન મથકો છે.
ચૂંટણી ખર્ચ નિયંત્રણ નોડલ ઓફિસર વી.એન.શાહે જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારની ખર્ચ મર્યાદા રૂા.૯૫ લાખ નક્કી કરવામાં આવી છે. ગેરકાયદેસર કરવામાં આવતા ખર્ચ નિયંત્રણ અંગે વિજીલન્સ ટીમો ફરજ બજાવશે.આદર્શ આચાર સંહિતાના અમલ માટે MCC, MCMC, VVT ફલાઈંગ સ્ક્વોડ સહિત વિવિધ ટીમોએ કામગીરી શરૂ કરી દીધી છે. દિવાલો ઉપરના લખાણ અને હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી.એચ.ઝાલાએ જણાવ્યું હતું કે કંટ્રોલરૂમ શરૂ કરી દીધા છે.ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૧૦૦૫, ૧૯૫૦ તથા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ નં.. ૦૨૬૨૬-૨૨૫૯૩૫ ઉપર કોઈપણ નાગરિક જાણ કરી શકશે. આ ઉપરાંત ઓનલાઈન c-Vigil એપ ઉપર પણ કોઈપણ નાગરિક ફરિયાદ નોંધાવી શકે છે.
આજરોજ યોજાયેલ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેકટર આર.આર.બોરડ, વ્યારા પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ, નિઝર પ્રાંત અધિકારીશ જયકુમાર રાવલ સહિત પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના તંત્રીશ્રીઓ/પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.