દક્ષિણ અમેરિકા ખંડના ગાઢ જંગલોમાં કેનન બોલ ટ્રી નામનું વૃક્ષ જોવા મળે છે. ગાઢ જંગલમાં મૂળ વતન ધરાવતા આ વૃક્ષની હાજરી ગુજરાત-ભારતમાં પણ છે. ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના કઠલાલની શેઠ એમ.આર.હાઈસ્કૂલના પ્રાંગણમાં આ કદાવર વૃક્ષ ઉભું છે. સંભવતઃ ગુજરાતમાં એ સિવાય બીજે ક્યાંય તોપની માફક ધડાકો કરતું આ વૃક્ષ નોંધાયુ નથી. ભાગ્યે જ જોવા મળતું આ વૃક્ષની ઊંચાઈ 35 મીટર સુધીની હોય છે. તેના પાંદડા 8 થી 31 સે.મી. સુધીની હોય છે. આ વૃક્ષ અનેક રીતે વિશિષ્ટ છે. તેના ફૂલ અને ફળ ડાળીને બદલે થડ પર ઉગે છે.થડ ઢંકાઈ જાય ત્યાં સુધી ફૂલો વિકસતા હોય છે. આ ફૂલો દિવ્ય સુગંધ ધરાવે છે. ખાસ કરીને રાત્રે અને વહેલી સવારે તેની સુગંધ ખૂબ અંતર સુધી વિસ્તરે છે. આ વૃક્ષની ખાસીયત એ છે કે તે વર્ષમાં ૩ વખત તેમાં પાનખર જોવા મળે છે. એ વૃક્ષના ફળો તોપના ગોળા જેવા ઉગે છે. એટલું જ નહીં, જયારે જમીન પર પડે ત્યારે ગોળાની માફક ધડાકાભેર અવાજ કરે છે. માટે જંગલ સિવાય જ્યાં આવા વૃક્ષો હોય ત્યાં ચેતવણીનું બોર્ડ પણ મારવામાં આવે છે કે આ વૃક્ષથી દૂર રહેજો. ભારતમાં આ વૃક્ષને કૈલાસપતિ વૃક્ષ નામ આપી દેવાયું છે.આ વૃક્ષ ઔષધીય ગુણો ધરાવે છે. તેમાં એન્ટિબાયોટિક, એન્ટી ફંગલ અને એન્ટી સેપ્ટિક ગુણો જોવા મળે છે. તેનો ઉપયોગ મેડિસિન માટે પણ થાય છે. અનેક આયુર્વેદિક ગુણધર્મો ધરાવતું આ વૃક્ષ સો-સવાસો ફીટ સુધી ઊંચે જાય છે. તેના ફૂલોનો આકાર નાગની ફેણ જેવો હોવાથી હિન્દીમાં તેને નાગચાકા પણ કહે છે.ઘણા ભકતો એ ફૂલ શિવપૂજા માટે પણ વાપરે છે. આ વૃક્ષ કેનન બોલ તરીકે પણ ઓળખાય છે.
રીપોર્ટર -સુરેશ પારેખ( કપડવંજ )