આમ આદમી પાર્ટીએ અગાઉ દિલ્હી વિધાનસભા ચૂંટણી અને પંજાબની લોકસભા ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી ઈન્ડિ ગઠબંધનને આંચકો આપ્યા હતો, તો હવે AAPએ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પણ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી ફરી ઝટકો આપ્યો છે. રાજ્યમાં ચૂંટણીઓની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, AAPએ હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, અમારી પાર્ટી રાજ્યમાં કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. પાર્ટી પોતાના દમ પર ચૂંટણી લડશે.
હરિયાણામાં અમે એકલા હાથે ચૂંટણી લડીશું : ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને (Punjab CM Bhagwant Mann) આજે (18 જુલાઈ) પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે, અમે એક મોટી જાહેરાત કરી રહ્યા છીએ. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) દાયકાની અંદર રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. અમે બે રાજ્યો દિલ્હી અને પંજાબમાં સરકાર ચલાવી રહ્યા છીએ અને હવે અમે હરિયાણા વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, જોકે આ ચૂંટણીમાં અમે કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરીએ.
AAP હરિયાણામાં જાહેર કરશે કેજરીવાલની ગેરંટી યોજના
માને વધુમાં કહ્યું કે, હરિયાણા એક માત્ર એવું રાજ્ય છે, જેઓ તમામ પક્ષોને તક આપે છે, જોકે અત્યાર સુધીમાં કોઈપણ પાર્ટી રાજ્યમાં ખરી ઉતરી નથી. અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) હરિયાણાના છે, જેના કારણે અમે ખૂબ આશા છે. પંજાબ અને હરિયાણા વચ્ચે ઘણી સમાનતાઓ છે. અડધુ હરિયાણા પંજાબી બોલે છે. ઉલ્લેખનીય છે કે, આપ હરિયાણામાં 20 જુલાઈએ કેજરીવાલની ગેરંટી યોજના જાહેર કરશે, જેમાં કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ (Sunita Kejriwal) પણ ઉપસ્થિત રહેશે.
હરિયાણામાં કોંગ્રેસ-સપા એક થઈ ચૂંટણી લડશે
આ પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી હરિયાણામાં એક થઈને ચૂંટણી લડશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કોંગ્રેસ સપા સાથે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પણ ગઠબંધન કરી શકે છે. આ ગઠબંધન હેઠળ સપા માટે બંને રાજ્યોમાં કેટલીક બેઠકો છોડી દેવામાં આવશે. આટલું જ નહીં સપા અને કોંગ્રેસ વચ્ચે ઉત્તર પ્રદેશ વિધાનસભા પેટા-ચૂંટણી માટે પણ વાતચીત શરૂ થઈ ગઈ છે. જોકે, પેટા-ચૂંટણીમાં કોંગ્રેસ અને સપા કેટલી કેટલી-કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તે વાતચીત બાદ જ નક્કી થશે.
AAP દિલ્હીમાં પણ એકલા હાથે લડશે વિધાનસભા ચૂંટણી
અગાઉ છ જુલાઈના રોજ AAPએ જાહેરાત કરી હતી કે, પાર્ટી દિલ્હી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે. પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે કહ્યું હતું કે, કોંગ્રેસ સાથે ગઠબંધન લોકસભા ચૂંટણી માટે છે. અમે એકલા જ વિધાનસભાની ચૂંટણી લડીશું. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ પંજાબ લોકસભા ચૂંટણીમાં પણ એકલા હાથે ચૂંટણી લડી હતી, જેમાં રાજ્યમાં 13 બેઠકોમાંથી કોંગ્રેસને સાત, આપને ત્રણ, એસએડીને એક અને અપક્ષને બે બેઠકો મળી હતી.