કેનેડામાં સતત ભારત વિરુદ્ધ વધી રહેલી ગતિવિધિઓ અંગે ત્યાંના રાજનેતાઓએ પણ હવે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. વિભિન્ન હિન્દુ મંદિરોમાં તોડફોડ માટે ખાલિસ્તાન સમર્થક તત્વો વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થતાં નિરાશા વ્યક્ત કરતા કેનેડા-ઈન્ડિયા ફાઉન્ડેશને દેશના રાજનેતાઓને પોતાનું મૌન તોડવા અને કટ્ટરપંથીઓ પર લગામ કસવા માટે કહ્યું છે.
એક અહેવાલ પ્રમાણે રાજનેતાઓએ લખ્યું કે ખાલિસ્તાની તત્વો પર કાર્યવાહી કરો, નહીં તો મોડું થઈ જશે. ઉચ્ચ ભારતીય-કેનેડિયન હિમાયત સંસ્થાએ રાજનેતાઓને લખેલા એક ખુલ્લા પત્રમાં કહ્યું કે, હિંસામાં વિશ્વાસ રાખનારા એક ચરમપંથીઓના એક સમૂહ દ્વારા આપણા સમુદાયને આપવામાં આવેલી ધમકીઓએ હાલમાં જ ખતરનાક રૂપ લઈ લીધુ છે. આવા જ એક સ્વયંભૂ-ચરમપંથી નેતાએ નવેમ્બર મહિનામાં કેનેડિયનોને એર ઈન્ડિયામાં યાત્રા ન કરવાની ચેતવણી જારી કરી હતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આશ્ચર્ય છે કે, કેનેડિયન રાજનેતાઓએ અને મીડિયાએ આ જોખમને એમ નજર અંદાજ કરી દીધો.
નેતાઓના મૌનથી નિરાશ
સંસ્થાએ પત્રમાં લખ્યું કે, અમે ખૂબ જ નિરાશ છીએ કે, અમારા રાજનેતાઓએ આ ગંભીર મુદ્દા પર સંપૂર્ણ મૌન સાધી રાખ્યુ છે. આતંકવાદ અને જોખમનો સામને કરવાનો આ સેલેક્ટિવ અભિગમ આ વિશ્વને એક સુરક્ષિત સ્થાન નહીં બનાવે. તેના પર મૌનથી અંતે તો નુકશાન જ થવાનું છે.
અનેક મંદિરો પર થઈ ચૂક્યા છે હુમલા
તાજેતરમાં કેનેડામાં અનેક મંદિરો પર હુમલા થયા છે. તેમાં મિસિસોગામાં રામ મંદિર, રિચમંડ હિલમાં વિષ્ણુ મંદિર, ટોરન્ટોમાં બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, સરે માં લક્ષ્મી નારાયણ મંદિર જેવા હિન્દુ મંદિરોમાં તોડડફોડ કરવામાં આવી છે. પત્રમાં કહેવામાં આવ્યું કે, આ હુમલાને ધર્મની સ્વતંત્રતા પર હુમલો માનવામાં આવશે. આ એક ખતરનાક પ્રવૃતિ છે.
હિંસક એજન્ડા વાળા લોકો સાથે બાળકોની જેમ નરમ વ્યવહાર
પત્રમાં લખવામાં આવ્યું છે કે, કેનેડાની સરકાર, તેની કાયદા અમલીકરણ એજન્સીઓ અને મીડિયા દ્વારા હિંદુઓને નિશાન બનાવવાની ઘટનાની અવગણના ન કરવી જોઈએ. કેનેડા-ઈન્ડિયા ફાઉન્ડેશને કહ્યું કે, અમે જાહેર સુરક્ષા મંત્રીને તાત્કાલિક અને નિર્ણાયક પગલાં લેવા માટે અલગથી પત્ર લખ્યો છે. આવા હિંસક એજન્ડા વાળા લોકો સાથે બાળકોની જેમ નરમ વ્યવહાર ન કરાય.