નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને પોલીસ તંત્ર દ્વારા ઈ-મેમો આપવામાં આવી રહ્યા છે. આ ઈ-મેમોની વસુલાત કરવા નડિયાદ શહેરમાં પોલીસ તંત્ર દ્વારા ઠેર ઠેર વાહનોનું ચેકિંગ માથ ધરવામાં આવ્યું છે. જેથી ઈ-મેમો નહિ ભરનાર વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગુનાખોરી તેમજ અકસ્માતના બનાવો ઘટાડવા જાહેર સ્થળો, દુકાનો, બેંકો વગેરે સ્થળો પર સીસીટીવી લગાવવામાં આવી રહ્યાં છે. આ સીસીટીવીનું પોલીસ તંત્ર દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઈ-મેમો આપવામાં આવી રહ્યા છે. આ ઈ-મેમોને વાહન ચાલકો એસી તેસી કરી મેમો ભરવામાં ઠાગાઠેયા કરી ભારે ઉદાસીનતા દાખવી રહ્યા છે. જેને લઈ ખેડા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ઈ-મેમોની વસુલાત કરવા રસ્તા ઉપર વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
નડિયાદ ટાઉન પોલીસ દ્વારા શહેરમાં વાહનોનું ચેકિંગ કરવામાં આવતા પોલીસ સ્ટેશનમાં ઈ- મેમો ભરવા વાહન ચાલકોની ભારે ભીડ જોવા મળી રહી છે. નડિયાદ શહેરમાં સ્ટેશન રોડ, સંતરામ રોડ, મીલ રોડ, કોલેજ રોડ વગેરે રસ્તા ઉપર પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ ઈ-મેમો ન ભરનાર વાહનોને ડીટેઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.