આણંદ જિલ્લાના પેટલાદ ગામમાં આવેલ કાઝીવાડા વિસ્તારમાં રહેતો મકસુદઅહેમદ કાઝી નામનો ઇસમ વિદેશ જવા માંગતા વ્યક્તિઓ પાસેથી મોટી રકમ મેળવીને, ખોટા બનાવટી વિદેશના વિઝા સ્ટીકર ભારતીય પાસપોર્ટમા લગાડી આપી ઠગાઈ કરતો હોવાની અને તે પોતાની સીલ્વર કલરની ફોર્ડ ગાડી નંબર GJ 06 PA 7971 લઈને ખોટા બનાવટી વિઝા સ્ટીકર લગાડેલ પાસપોર્ટ સાથે વિદ્યાનગરના મોટા બજાર વિસ્તારમાં ઇસ્કોન મંદિર પાછળ આવેલ બગીચા ખાતે ઉભેલ હોવાની બાતમી આણંદ એસ.ઓ.જી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ તુરંત જ બાતમી મુજબની જગ્યાએ પહોંચી હતી અને ત્યાં પાર્ક કરેલ ગાડીમાં બેઠેલાં મકસુદહેમદ ઉર્ફે ઓવેસ ઉર્ફે અમન અમીનુદ્દીન કાઝી (રહે.કુરેશ મસ્જીદ પાસે, કાઝીવાડો, પેટલાદ) તેમજ નિલેશકુમાર વિનુભાઈ પટેલ (હાલ રહે. વ્યાયામ શાળા રોડ, સુવાંશ સોસાયટી, આણંદ. મુળ રહે.નાયકા, ગોરનો ટેકરો, તા.જી.ખેડા) ની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે ગાડીની તલાશી લેતાં તેમાં ડ્રાઇવર સાઇડના સીટના પાછળના ભાગે આવેલ કવરમાંથી અલગ અલગ નામ સરનામાવાળા કુલ ૭ ભારતીય પાસપોર્ટ મળી આવ્યાં હતાં અને આ તમામ પાસપોર્ટમાં કેનેડાના વર્ક પરમીટ તેમજ ટુરિસ્ટર વિઝાના સ્ટીકર લગાડેલ હતા.
પોલીસે આ પાસપોર્ટ બાબતે પકડાયેલા બંને ઈસમોની પુછપરછ કરતાં, તેઓએ પોતે વિઝા ઇમિગ્રેશનને લગતા કામકાજ કરતા હોવાનું અને આ તમામ ભારતીય પાસપોર્ટમા લગાડેલ કેનેડાના વિઝા સ્ટીકર બનાવટી ખોટા હોવાનું જણાવ્યું હતું. તદુપરાંત મકસુદઅહેમદ કાઝીએ દિલ્હી ખાતેથી ધર્મેશકુમાર ચિતરંજન પરવત (રહે. ડાંગરી મઠીયા, સિવાન, ગોરિયાકોઠી, બિહાર) નામના ઇસમ પાસેથી આ કેનેડાના બનાવટી વિઝા સ્ટીકર બનાવડાવેલ હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે આ બંન્ને ઇસમો પાસેથી સાતેય પાસપોર્ટ ઉપરાંત ચાર મોબાઈલ કિંમત રૂપિયા 25,000 તેમજ કાર કિંમત રૂપિયા 1,00,000 મળીને કુલ રૂપિયા 1,25,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ અંગે પોલીસે પકડાયેલા બંને ઈસમો મકસુદહેમદ ઉર્ફે ઓવેસ ઉર્ફે અમન અમીનુદ્દીન કાઝી, નિલેશકુમાર વિનુભાઈ પટેલ તેમજ તેમને બનાવટી વિઝા સ્ટીકર બનાવી આપનાર ધર્મેશકુમાર ચિતરંજન પરવત વિરૂદ્ધ બી.એન.એસ એક્ટ ૨૦૨૩ ની કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮, ૬૧(૨) મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મયંછઆરોપી મકસુદઅહેમદનો ગુનાહિત ઇતિહાસ
પકડાયેલ આરોપી મકસુદઅહેમદ ઉર્ફે ઓવેસ ઉર્ફે અમન અમીનુદ્દીન કાઝી વિરૂધ્ધ અગાઉ બિલીમોરા-નવસારી પોલીસમથક, નરોડા-અમદાવાદ પોલીસમથક તેમજ માંજલપુર-વડોદરા શહેર પોલીસમથકમાં છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુના નોંધાયેલા છે.