દેશના દિગ્ગ્જ કારોબારી ગૌતમ અદાણી ફરીએકવાર ચિંતામાં મુકાયા છે.અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ અને ગૌતમ અદાણી ગ્રુપ વચ્ચેનો વિવાદ અદાણીની તરફેણમાં આવતો નજરે પડ્યા બાદ ફરી એકવાર આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીની તપાસને સ્વીકારી સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય સામે રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ અરજી અનામિકા જયસ્વાલ નામના અરજદાર દ્વારા દાખલ કરવામાં આવી છે.
અરજદારે શું કહ્યું?
અરજદાર અનામિકા જયસ્વાલે દલીલ કરી છે કે તેમની પાસે પૂરતા કારણો છે જેના આધારે સુપ્રીમ કોર્ટ દ્વારા 3 જાન્યુઆરીએ આપેલા આદેશની સમીક્ષા માટે આદેશ કરી શકાય તેમ છે. તેમણે કહ્યું હતું કે અદાણી ગ્રુપે સિક્યોરિટીઝ કાયદાનું ઉલ્લંઘન કર્યું છેતે હજુ શંકા સ્પષ્ટ થઈ નથી કેમ કે તે બાબત અંગે સેબીની તપાસ હજુ પણ ચાલુ છે. અરજદારના જણાવ્યા મુજબ સેબીએ તેના સ્ટેટસ રિપોર્ટમાં માત્ર 24 તપાસની સ્થિતિને જાહેર કરવામાં આવી છે જે અપૂર્ણ અથવા અધૂરી છે.
સેબીની તપાસ શું કહે છે?
આ મામલો સામે આવ્યા બાદ જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે સેબીને 3 મહિનામાં તપાસ પૂર્ણ કરવા સૂચના આપી રિપોર્ટ માંગ્યો હતો. સેબીએ તેના સ્ટેટસ રિપોર્ટમાં જણાવ્યું હતું કે 24માંથી 22 તપાસ પૂર્ણ કરાઈ છે અને 2 કેસની તપાસ હજુ કાર્યવાહી હેઠળ છે. સેબીના 22 કેસોમાં શેરના ભાવની હેરાફેરી અંગેના બે, સંબંધિત પક્ષના વ્યવહારો (RTP) જાહેર કરવામાં નિષ્ફળતાના 13, ઇનસાઇડર ટ્રેડિંગ નિયમોના ઉલ્લંઘનના પાંચ અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) અને ટેકઓવરના નિયમોના ઉલ્લંઘનના એક અહેવાલનો સમાવેશ થાય છે.
મામલો શું હતો?
24 જાન્યુઆરી, 2023 ના રોજ અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર તેનો સંશોધન અહેવાલ પ્રકાશિત કર્યો હતો. અદાણી ગ્રુપ અને ગૌતમ અદાણીની નેટવર્થ પર આની ખરાબ અસર થઇ હતી. રિપોર્ટ જાહેર થયા પહેલા અદાણી વિશ્વના ટોપ-10 અબજોપતિઓની યાદીમાં ચોથા સ્થાને હતા પરંતુ એક મહિનાની અંદર તે અમીરોની યાદીમાં 37મા સ્થાને સરકી ગયા હતા. જો કે તેણે છેલ્લા કેટલાક દિવસોમાં પુનરાગમન કર્યું હતું પરંતુ હિંડનબર્ગને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવી એટલી સરળ ન હતી.