ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમાજમાં ત્યજી દેવાયેલા તથા મા-બાપ વિહોણાં અનાથ બાળકોને યોગ્ય માતા-પિતા/પરીવાર દ્વારા દત્તક લેવામાં આવે અને કોઈ બાળક મા-બાપ/પરીવાર વિહોણું ન રહે તે વિશેની વ્યાપક જન જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુસર માહે નવેમ્બર-૨૦૨૪ ને “દત્તક જનજાગૃતિ માસ” તરીકે જાહેર કરવામાં આવેલ છે, જે અંતર્ગત ખેડા-નડીઆદની બાળ કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓ જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા માતૃછાયા અનાથ આશ્રમના સંયુક્ત ઉપક્રમે જિલ્લા ન્યાયાલય નડીઆદ ખાતે વકીલાત કરતાં વકીલો તથા સમાજમાં કાનૂની સેવાઓને લગતી કામગીરી કરતા પેરા લીગલ વોલન્ટીયર્સ માટે એક દત્તક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા જિલ્લા બાળ સુરક્ષા એકમના લીગલ કમ પ્રોબેશન ઓફિસર કીર્તિબેન જોષી તથા પ્રોટેક્શન ઓફિસર (સંસ્થાકીય સંભાળ) ડો. અલકા રાવલ દ્વારા કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં માતૃછાયા અનાથ આશ્રમના સુપ્રિન્ટેન્ડેન્ટ સંદીપ પરમાર દ્વારા બાળકને દત્તક લેવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે, જિલ્લા બાળ સુરક્ષા એકમનાં પ્રોટેક્શન ઓફિસર (બિન સંસ્થાકીય સંભાળ) કૃણાલ વાઘેલા દ્વારા દતક લેનાર માતા-પિતા/પરીવારનું વેરીફીકેશન પ્રક્રિયા વિશે, અતિથિ વિશેષ જુવેનાઈલ જસ્ટીસ બોર્ડનાં પ્રિસાઈડીંગ ઓફિસર મેજીસ્ટ્રેટ શ્રી. સી વી. લીંબાચીયા દ્વારા જુવેનાઈલ જસ્ટીસ એક્ટ વિશે, અતિથિ વિશેષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, નડીઆદનાં ફૂલ ટાઈમ સેક્રેટરી (સિનિયર સિવિલ જજ કેડર) ડી બી. જોષી દ્વારા મફત અને સક્ષમ કાનૂની સેવાઓ વિશે વિસ્તૃત માહિતી અને સમજ આપી હતી.
કાર્યક્રમના અધ્યક્ષ તાલુકા કાનૂની સેવા સમિતિ સિનિયર સિવિલ કોર્ટ, નડીઆદનાં ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જી.ડી. પડીયા દ્વારા વકીલો અને પેરા લીગલ વોલન્ટીયર્સને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, એક સામાન્ય નાગરીક કરતા આપ સૌની જવાબદારી વિશેષ છે અને તેથી જ આજના કાર્યક્રમમાં આપવામાં આવેલ બાળક દત્તક લેવાનો કાયદો – પ્રક્રિયા, જુવેનાઈલ જસ્ટીસ એક્ટ તથા મફત અને સક્ષમ કાનૂની સેવાઓની માહિતી સમાજના છેક છેવાડાના નાગરીકો સુધી પહોંચાડીને આપની ફરજ નીભાવશો તેવી અપીલ કરીને સૌને પ્રોત્સાહિત કર્યા હતાં. કાર્યક્રમનાં અંતે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહેશ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરીને તમામ સંસ્થાઓ વતી આભારવિધિ કરવામાં આવેલ, જેમાં વકીલો, પેરા લીગલ વોલન્ટીયર્સ તથા તમામ સંસ્થાના કર્મચારીગણ સહીત કુલ – ૧૩૦ લોકોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.