વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયા પ્રવાસ બાદ ભારતીય વાયુસેના માટે સૌથી મોટા અને સારા સમાચાર આવ્યા છે. વાસ્તવમાં ભારતે રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ સિસ્ટમના પાંચ યુનિટ ખરીદ્યા છે. જે પૈકી ત્રણ યુનિટ આવ્યા હતા પરંતુ બે યુનિટ ઘણા સમયથી પેન્ડીંગ હતા. આ તરફ હવે હવે રશિયા તરફથી સમાચાર આવી રહ્યા છે કે, S-400ના બાકીના બે યુનિટ વર્ષ 2026માં આપવામાં આવશે.
યુક્રેન સાથેના યુદ્ધને કારણે રશિયાએ આ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ મોકલવામાં વિલંબ કર્યો. સપ્લાય ચેઇનની સમસ્યા હતી. પરંતુ હવે આ સમસ્યાનો અંત આવી ગયો છે. તેથી રશિયાએ કહ્યું છે કે, ચોથું યુનિટ માર્ચ 2026 સુધીમાં અને પાંચમું યુનિટ 2026ના અંત સુધીમાં ભારતમાં આવશે. ભારત પાસે S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ હોવાને કારણે ચીન કે પાકિસ્તાન સરહદ પારથી નાપાક ગતિવિધિઓ કરી શકશે નહીં. આ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમના બાકીના યુનિટ આવ્યા બાદ દેશની સુરક્ષા અભેદ્ય બની જશે. S-400 મિસાઈલ સિસ્ટમના ઓપરેટરોની તાલીમ પૂરી થઈ ગઈ છે.
હથિયાર નહીં, મહાબલી છે આ અભેદ્ય રક્ષા કવચ
S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ કોઈ હથિયાર નથી પરંતુ મહાબલી છે. આની સામે કોઈનું ષડયંત્ર કામ કરતું નથી. તે આકાશમાંથી ઓચિંતો હુમલો કરીને આવતા હુમલાખોરને ક્ષણભરમાં રાખમાં ફેરવે છે. S-400 મિસાઈલ સિસ્ટમને વિશ્વની સૌથી સક્ષમ મિસાઈલ સિસ્ટમ માનવામાં આવે છે. ભારત માટે પાકિસ્તાન અને ચીન હંમેશા પડકાર રહ્યા છે. ભારતનું આ દેશો સાથે યુદ્ધ પણ થયું છે. સત્તાનું સંતુલન જાળવવા માટે દેશને આવી મિસાઈલ સિસ્ટમની જરૂર હતી. ભારતને S-400 સિસ્ટમ મળવાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થશે.
33 હજાર કરોડ રૂપિયામાં થઈ હતી 5 યુનિટની ડીલ
ઑક્ટોબર 2018માં ભારતે આવી પાંચ સિસ્ટમ ખરીદવા માટે રશિયા સાથે કરાર કર્યો હતો જેની કિંમત $5 બિલિયન એટલે કે 33,000 કરોડ રૂપિયા છે. ચીન હોય કે પાકિસ્તાન, S-400 મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમની મદદથી ભારત પરમાણુ મિસાઈલોને તેની જમીન પર પહોંચતા પહેલા જ હવામાં નષ્ટ કરી દેશે. S-400 સાથે ભારત ચીન-પાકિસ્તાન સરહદ પર પણ નજર રાખી શકશે. યુદ્ધમાં S-400 સિસ્ટમ સાથે ઉડાન ભરતા પહેલા ભારત દુશ્મનના ફાઇટર પ્લેનને નિશાન બનાવશે. પછી તે ચીનનું J-20 ફાઈટર પ્લેન હોય કે પાકિસ્તાનનું અમેરિકન F-16 ફાઈટર પ્લેન. આ મિસાઈલ સિસ્ટમમાં આ તમામ વિમાનોને નષ્ટ કરવાની શક્તિ છે. રશિયાએ 2020-2024 સુધીમાં એક-એક કરીને આ મિસાઈલ સિસ્ટમ ભારતને પહોંચાડવાનું વચન આપ્યું હતું.
એકસાથે 72 મિસાઈલ છોડી શકે છે આ સિસ્ટમ
S-400 એક સમયે 72 મિસાઈલ લોન્ચ કરી શકે છે. તેની સૌથી મહત્વની વાત એ છે કે આ એર ડિફેન્સ સિસ્ટમને ક્યાંક ખસેડવી ખૂબ જ સરળ છે કારણ કે તેને 8X8 ટ્રક પર લગાવી શકાય છે. S400 ને નાટો દ્વારા SA-21 ગ્રોલર લોંગ રેન્જ ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. માઈનસ 50 ડીગ્રીથી માઈનસ 70 ડીગ્રી સુધીના તાપમાનમાં કામ કરવામાં સક્ષમ આ મિસાઈલને નષ્ટ કરવી દુશ્મન માટે ખુબ જ મુશ્કેલ છે. કારણ કે તેની કોઈ નિશ્ચિત સ્થિતિ નથી. તેથી તેને સરળતાથી શોધી શકાતું નથી. S-400 મિસાઈલ સિસ્ટમમાં ચાર પ્રકારની મિસાઈલ છે જેની રેન્જ 40, 100, 200 અને 400 કિલોમીટર છે. આ સિસ્ટમ 100 થી 40 હજાર ફીટની વચ્ચે ઉડતા દરેક લક્ષ્યને ઓળખી શકે છે અને તેનો નાશ કરી શકે છે. S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનું રડાર ખૂબ જ અત્યાધુનિક અને શક્તિશાળી છે.