અમદાવાદ મહાનગર પાલિકા (AMC)એ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામેની કાર્યવાહી વધુ ઉગ્ર બનાવી છે અને તેની કાર્યવાહી અંતર્ગત 14 જુલાઈના રોજ જમાલપુરના આસ્ટોડિયા દરવાજા પાસે આવેલી વિવાદાસ્પદ “સના-7” બિલ્ડીંગના ટોચના ત્રણ માળ – સાતમો, આઠમો અને નવમો – તોડી પાડવામાં આવ્યા છે. આ બિલ્ડીંગને કથિત કુક્રીયાત ઈતિહાસ ધરાવતા સલીમખાન પઠાણે 2019માં ગેરકાયદેસર રીતે ઊભી કરી હતી, જે બાદમાં શહેરના સૌથી વધુ વિવાદાસ્પદ બાંધકામોમાંથી એક બની ગઈ હતી. જોકે AMC દ્વારા છેલ્લા અનેક વર્ષોથી નોટિસો આપવામાં આવી હતી, બિલ્ડીંગને ચારવાર સીલ પણ કરવામાં આવી હતી, તેમ છતાં સલીમખાન પઠાણએ સીલ તોડી બાંધકામ ચાલુ રાખ્યું હતું.
મળતી વિગતો અનુસાર, આ બિલ્ડીંગ અગાઉ આવેલી ઝુપડપટ્ટીની જગ્યાએ ઊભી કરવામાં આવી હતી. સલીમખાન પઠાણે ત્યાં રહેતા ગરીબ લોકો સાથે ફ્લેટ આપવાના વચનો કરીને અને મકાનમાં રોકાણ કરાવવા માટે લાલચ આપી આ બિલ્ડીંગમાં 84 ફ્લેટ ભાડે આપ્યા હતા. દરેક ભાડાર્થી પાસેથી તે માસિક રૂ. 6000થી 9000 જેટલું ભાડું વસૂલતો હતો. પણ બિલ્ડીંગ પૂર્ણપણે ગેરકાયદેસર હોવાનું પુરવાર થતા હવે AMCએ કડક કાર્યવાહી હાથ ધરી છે.
સલીમખાન પઠાણ પર માત્ર બાંધકામના કાયદા ભંગ કરવાના નહીં પરંતુ છેતરપીંડી, ભરસ્તાચાર અને વકફ બોર્ડ સંચાલિત મસ્જિદના વિવાદિત ફંડ કેસમાં સંડોવણી જેવા અનેક ગંભીર આરોપો નોંધાયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેને વિભિન્ન ગુનાઓમાં પોલીસે પકડ્યો પણ છે અને તેની સામે તપાસ પણ ચાલુ છે.
AMCએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સોમવારે બિલ્ડીંગનો ભાગ તોડી પાડવાનું શરૂ કર્યું છે, જે પ્રક્રિયા હજુ 2-3 દિવસ ચાલવાની શક્યતા છે. આ સમગ્ર કાર્યવાહી AMC દ્વારા શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે ઊભેલી કડક અને સંકલ્પબદ્ધ નીતિનું પ્રતિબિંબ છે. મહાનગર પાલિકા તરફથી એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વિલનતત્ત્વો સામે કાયદેસર પગલાં લેવા અને ગેરકાયદેસર સંપત્તિ દૂર કરવા હવે બેકફૂટ ન લેવાય.