મહારાષ્ટ્રના નાસિક શહેરની આઈસીઆઈસીઆઈ બેન્ક ના સિક્યુરિટી સાથે મળી બેન્ક ના લોકર માંથી 14 કિલો સોનું તફડાવી ફરાર થઈ ગયેલા ચાર આરોપીઓ પૈકી બે આરોપી હાલોલમાં છુપાયા હોવાની જાણકારી નાસિક ક્રાઈમ બ્રાન્ચ ની સ્પેશિયલ ગુંડા સ્ક્વોડ ની ટીમ ને મળતા તેમને આજે એક આરોપીને હાલોલમાં દબોચી લીધો છે, તો એક આરોપી ભાગી છૂટ્યો હતો. નાસિક પોલીસ ને જોઈ સ્વીફ્ટ કાર માં ભાગેલા બે આરોપીઓનો પોલીસે હાલોલ બાયપાસ રોડ ઉપર આવેલી અતિથિ હોટલ નજીકથી પીછો કર્યો હતો અને ગાયત્રી નગરના ઝાડી ઝાંખરા વાળા વિસ્તારમાં બંને આરોપીઓ ગાડી મૂકી ભાગી જતા તેમનો પીછો કરીને એક આરોપી ને પકડી પાડવામાં સફળતા મળી છે. એક તબક્કે ગાયત્રી નગરના રહેણાંક વિસ્તારમાં ફિલ્મી દ્રશ્યો સર્જાતા લોકટોળા એકઠા થઇ ગયા હતા. જોકે હકીકત જાણ્યા પછી નાસિકથી આવેલી પોલીસની સ્થાનિકોએ મદદ કરી હતી અને હાલોલ પોલીસને જાણ કરવામાં આવતા હાલોલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
મહારાષ્ટ્રના નાસિક શહેરમાં ગત 04 મે’ 2024 ના રોજ આઈસીઆઈસીઆઈ બેંકના લોકર માંથી 14 કિલો સોના ના દાગીના બેંકના સિક્યુરિટી ને સાથી રાખીને ચાર આરોપીઓ તાફડાવી જતા તેની ફરિયાદ નાસિક શહેરના સરકાર વાળા પોલીસ મથકમાં નોંધાઈ હતી. બેંકમાંથી લોકરમાં રાખેલું ગ્રાહકોનું 14 કિલો સોનું ગાયબ થતાં સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
તે જ દરમિયાન નાશિક શહેર પાસે 10 મી મે ના રોજ એક યુવકનું મર્ડર થતાં તેની તપાસ પણ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી હતી, બંને ઘટનાઓના તાર એકબીજા સાથે જોડાયેલા હોવાનું ક્રાઈમ બ્રાન્ચ ના ધ્યાને આવતા તેમને 12મી મે ના રોજ આઈસીઆઈસીઆઈ બેંકના સિક્યુરિટી ગાર્ડ તુકારામ ગોરધનને ઉઠાવી તેની પૂછપરછ કરતા તેને કબુલાત કરી હતી કે નાસિકના વૈભવ લહામગે, રતન જાદવ, સતિષ ચૌધરી, તેમજ અર્જુન પાટીલે બેંક ના લોકર માંથી 14 કિલો સોનુ તફડાવ્યું છે ની હકીકત પોલીસ સામે આવી હતી.
પોલીસે આ ચાર આરોપી પૈકી 14 મી મે એ વૈભવ લહામગે ની અટકાયત કરી પૂછ પરછ કરતા 10 મી મેં બનેલી મર્ડર ની વારદાત માં પણ તેઓની સંડોવણી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયા બાદ પોલીસે બાકી રહેલા ત્રણ આરોપીઓ ને ઝડપી પાડવા પ્રયાસો કર્યા હતા. આખરે નાસિક પોલીસ કમિશનરે આ બંને ઘટનાઓ ની તપાસ ગુંડા સ્કવોડ ને સોંપી હતી.
નાસિક શહેરની આઈ સી આઈ સી આઈ બેંક ના લોકર માંથી 14 કિલો સોનુ તફડાવવાના ગુનામાં પોલીસે બેંકના સિક્યુરિટી તુકારામ ગોરધન તેમજ અન્ય ચાર આરોપીઓ પૈકી વૈભવ લહામગે ની ધરપકડ કરી હતી અને અન્ય ત્રણ આરોપીઓ પૈકી આજે હાલોલ માંથી પોલીસે સતીશ ચૌધરીને દબોચી લેતા હજી બે આરોપી રતન જાદવ અને અર્જુન પાટીલ પોલીસ રડાર ની બહાર છે, હાલોલમાં સતીશ ચૌધરીની સાથે રતન જાદવ પણ હતો જે પોલીસથી બચીને ભાગી છુટવામાં સફળ રહ્યો છે.
પંચમહાલ. નરેન્દ્રસિંહ પરમાર