ખેડા તાલુકાના મહીજ તળાવ ઉપરના રાવળ વાસમાં અગાઉના ઝઘડાની અદાવત રાખીને એક ઈસમે રાત્રિના સમયે સ્કૂટર પર આવી વૃદ્ધને માથાના ભાગે લાકડી
ફટકારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ગંભીર રીતે ગવાયેલા વૃદ્ધને પ્રથમ બારેજા, પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજયું હતું. આ સંદર્ભે મૃતકના દીકરાએ બે ઈસમ વિરુદ્ધ ખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નહોતી વધુ તપાસ હાથ ધરી છે.
ખેડા તાલુકાના મહીજ તળાવ ઉપર વિનુભાઈ શનાભાઇ રાવળ ઉ. વ.૪૦ રહે છે તેઓને સંતાનમાં બે દીકરી તથા એક દીકરો છે. વિનુભાઈ સાથે એક જ મકાનમાં તેમના માતા-પિતા રહે છે. તેઓની મહીજ ગામની સીમમાં ખેતીલાયક જમીન આવેલી છે તેમની જમીનની બાજુમાં વિનુભાઈના કાકા જકાભાઈ શકરાભાઈ રાવળની જમીન આવેલ છે. કાકાની જમીન ગામના સંતોકબેન તથા તેમના દીકરા મજૂરીભાગે વાવે છે. ચાર માસ ઉપર શનાભાઇ તથા સંતોકબેનના દીકરા નટુભાઈને ખેતરમાં પાણી લાવવા બાબતે બોલાચાલી થઈ હતી. તા.૨૭મીના રોજ રાત્રિના ૧૦ વાગે ગામના કિશનભાઇ તડવીના ત્યાં લગ્નના વરઘોડામાં વિનુભાઈ ગયા હતા.
વરઘોડામાં તે પોતાના બાઇક ઉપર હતા. તે વખતે સંતોકબેનનો દીકરો વરઘોડામાં આવેલ હોય, તેઓએ વિનુભાઈ સાથે બોલાચાલી કરી હતી. કિશનભાઇના ઘરે લગ્ન પ્રસંગ હોય પ્રસંગ બગડે નહીં, તે માટે આ બાબતે સમાધાન થયેલ હતું ત્યારબાદ વિનુભાઈ પોતાના ઘરે જતા હતા તે વખતે ગામના અલ્પેશ રાવળ ની દુકાને સિગરેટ પીવા ગયા હતા સિગરેટ પીધા બાદ ૧૧:૩૦ વાગે ઘરે પહોંચ્યા હતા. તે વખતે વિનુભાઈના માતા પિતા ઘરે ઓસરીમાં સુઈ રહેલા હતા અને મોડી રાત્રે તા.૨૮ મી ના રોજ રાત્રિના ૨:૩૦ કલાકે વિનુ.., વિનુ.., વિનુ.., એમ ત્રણ વખત બૂમો પડતા વિનુભાઈ તથા પિતા શનાભાઇ અને માતા મંગુબેન જાગી જતા શનાભાઇ ઓસરીમાંથી બહાર આવી,કોણ છે ?? તેવું પૂછતા મહેશભાઈ કાળુભાઈ રાવળનાઓએ તેના હાથમાંની લાકડી શનાભાઇના માથામાં જોરથી ફટકારી દીધી હતી અને ભાગતો હતો ત્યારે પુત્ર વિનુભાઈએ, મહેશ રાવળનાઓને સ્કૂટર પર લાકડી લઈ પાછળ બેસી જતો જોયો હતો. તેમજ મંગુબેન તથા નજીકમાં રહેતા અમરતભાઈએ પણ ચાલકને જોયો હતો.શનાભાઈને માથામાં ગંભીર ઈજા થવાથી લોહી લુહાણ હાલતમાં પોતાની ઇકો ગાડીમાં લઈ સારવાર માટે લઇ જતા હતા ત્યારે 108 વાનને પણ ફોન કરતા તે રસ્તામાં હતી તે 108 આવતા તેમાં ઈજા ગ્રસ્ત શનાભાઇને બારેજા ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, બીજા દિવસે સવારના ૯:૦૦ વાગે હોસ્પિટલના તબીબે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ સંદર્ભે વિનુભાઈ રાવળની ફરિયાદના આધારે ખેડા શહેર પોલીસે મહેશભાઈ કાળુભાઈ રાવળ તથા સ્કુટર ચાલક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.