ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આજે નડિયાદ શહેર ઉત્સાહભેર દેશભક્તિના રંગે રંગાયુ હતું. આજે સોમવારે જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહેરમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયું હતું. અંદાજે 5 હજાર કરતા વધુ લોકો આ ‘તિરંગા યાત્રા’ માં હાથમાં ફ્લેગ લઈને જોડાતા દેશ ભક્તિનો માહોલ સર્જાયો હતો. આ રેલીમાં ‘ભારત માતા કી જય’, ‘જય હિન્દ’, ‘વંદે માતરમ’ ના ઘોષ સાથે નીકળેલી આ યાત્રા 4 કલાકના અંતે પૂર્ણ થયેલ હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના આહ્વાન પર સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ અભિયાન અત્યંત ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યું છે, ત્યારે નડિયાદ ખાતે ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, યાત્રામાં વિવિધ શાળા – કોલેજોનાં વિદ્યાર્થીઓ, પોલીસ વિભાગના જવાનો, મરીન કમાન્ડો, સામાજિક સંસ્થાઓ, હિન્દુ ધર્મ સેના સહિત પક્ષના હોદ્દેદારો અને રાષ્ટ્રપ્રેમી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ યાત્રા SRP કેમ્પ ખાતેથી પ્રસ્થાન થઈ સરદાર ભવન, નગરપાલિકા, સરદાર સાહેબના સ્ટેચ્યુ થઈ સંતરામ મંદિર રોડ થી સરદાર સાહેબના જન સ્થળ દેસાઈ વગા ખાતે પૂ. ગાંધી બાપુ અને સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પી ઇપકોવાળા હોલ ખાતે પૂર્ણ થઈ હતી.
આ પ્રસંગે ખેડા સાંસદ અને લોકસભા દંડક દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશજ, IG જે.આર.મોથલિયાજી, DDO વસાવાજ, ધારાસભ્યઓ કલ્પેશભાઈ, રાજેશભાઈ, સંજયસિંહ, KDCC ચેરમેન તેજસભાઇ પટેલ, જિલ્લા પોલીસ વડા રાજેશભાઈ, પ્રદેશના હોદ્દેદારો, પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકર્તાઓ, શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા.