આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આદેશ જારી કર્યો છે કે તેમની સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ જાતે જ વીજળીનું બિલ ચૂકવશે. તેમનું કહેવું છે કે આ પગલાનો હેતુ વીઆઈપી કલ્ચરને ખતમ કરવાનો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર વીજળીના દર ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. ખાસ વાત એ છે કે આસામ સરકારે તમામ સરકારી ઓફિસોમાં રાત્રે 8 વાગ્યા પછી આપોઆપ વીજળી કાપી નાખવાનો નિર્ણય લીધો છે.
સરમાએ લખ્યું હતું કે અમે કરદાતાઓના પૈસાથી સરકારી અધિકારીઓના બિલ ચૂકવવાના વીઆઈપી કલ્ચરને ખતમ કરી રહ્યા છીએ. હું અને મુખ્ય સચિવ 1 જુલાઈથી અમારા વીજળીના બિલો ભરીને એક ઉદાહરણ સ્થાપિત કરીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જુલાઈ 2024ની શરૂઆતથી તમામ સરકારી કર્મચારીઓએ જાતે જ વીજ બિલ ભરવાનું રહેશે.
સીએમ સરમાએ રવિવારે નવા 2.5 મેગાવોટ સોલાર પાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે રાજ્યનો ઉદ્દેશ્ય વીજળીના બિલમાં યુનિટ દીઠ રૂ. 1નો ઘટાડો કરવાનો છે, જેથી સમાજના ગરીબ વર્ગ માટે વીજળીનો ઉપયોગ સરળ બને. તેમણે માહિતી આપી હતી કે સરકાર આવતા વર્ષે એપ્રિલ સુધીમાં પ્રતિ યુનિટ રૂ. 1 કરવાનું લક્ષ્ય ધરાવે છે. સરમાએ કહ્યું છે કે સરકાર સોલાર પેનલ માટે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ અને મેડિકલ કોલેજોની છતનો ઉપયોગ કરવા જઈ રહી છે. તેમનું કહેવું છે કે આસામના 2 લાખથી વધુ પરિવારોએ તેમના ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે અરજી કરી છે. તેમણે લોકોને વીજળીનો બગાડ ન કરવાની અપીલ કરી છે કારણ કે રાજ્ય સરકાર સબસિડી પર મોટી રકમ ખર્ચે છે.