યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) જેવા ડિજિટલ પેમેન્ટ ટૂલ્સના વધતા ઉપયોગને કારણે એટીએમની માંગમાં ઘટાડો થયો છે. લોકો હવે રોજબરોજની ખરીદીથી લઈને મોટા વ્યવહારો માટે યુપીઆઈનો એટલે કે ઓનલાઈન પેમેન્ટનો જ ઉપયોગ કરી રહ્યાં છે. દેશમાં પાંચ વર્ષમાં પ્રથમ વખત એટીએમની સંખ્યામાં ઘટાડો થયો છે.
સરકારે સંસદમાં જણાવ્યું કે સપ્ટેમ્બર, ૨૦૨૪ના અંત સુધીમાં એટીએમની સંખ્યા ઘટીને ૨,૫૫,૦૭૮ થઈ ગઈ છે, જે એક વર્ષ અગાઉ ૨,૫૭,૯૪૦ હતી. સમગ્ર દેશમાં આ સમયગાળા દરમિયાન ૧ ટકા આસપાસનો ઘટાડો નોંધાયો છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આ ઘટાડો ૨.૨ ટકા હતો. ગ્રામીણ વિસ્તારોમાં એટીએમની સંખ્યા ઘટીને ૫૪,૧૮૬ થઈ હતી. મહાનગરોમાં પણ ૧.૬ ટકાનો ઘટાડો થયો છે અને એટીએમની સંખ્યા ઘટીને ૬૭,૨૨૪ થઈ છે.
નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું કે સરકારી બેંકોએ એટીએમ બંધ કરવા માટે ઘણા કારણો આપ્યા છે. તેમાં બેંકોના મર્જર, એટીએમનો ઓછો ઉપયોગ, વ્યવસાયિક નફાનો અભાવ અને એટીએમનું સ્થાનાંતરણ સામેલ છે. બેંકર્સનું કહેવું છે કે ડિજિટલ પેમેન્ટના વધતા જતા વલણ અને યુપીઆઈના ઉદભવે રોકડનો ઉપયોગ ઘટાડયો છે, જેનાથી એટીએમનું સંચાલન બિનઆર્થિક અને અવ્યવહારુ બન્યું છે.