નવા વર્ષની શરૂઆત સાથે જ દેશભરના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ નવા વર્ષનું સ્વાગત પૂજા-અર્ચના અને ભગવાનના આશિર્વાદ લઇ કર્યું હતું. વારાણસીના કાશી વિશ્વનાથનું મંદિર, આયોધ્યાનું રામ મંદિર, જયપુરના ગોવિંદ દેવજીનું મંદિર, ઓડિશાના જગન્નાથ પુરી મંદિર જેવા પ્રસિદ્ધ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી. આમ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મંદિરના દર્શન કરી નવો રેકોર્ડ બનાવ્યો છે.
મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર
વર્ષ 2025ના પહેલા દિવસે ભારતના લોકોએ મંદિરોના દર્શન કરવાને લઇને નવો રેકોર્ડ બનાવ્યો છે. પહેલી જાન્યુઆરીએ આયોધ્યાના રામ મંદિરમાં પાંચ લાખથી વધુ લોકોએ દર્શન કર્યા હતા, કાશી વિશ્વનાથ મંદિરમાં સાત લાખ, ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં છ લાખ, આંધ્ર પ્રદેશના શ્રી તિરુપતિ મંદિરમાં ચાર લાખ, ઓડિશાના જગન્નાથ પુરી મંદિરમાં પાંચ લાખ અને હરિદ્વારમાં ગંગા નદીના ઘાટ પર ત્રણ લાખ લોકો પહોંચ્યા હતા.
લોકો રામ મંદિરના દર્શન કરવા ઉમટ્યા
આ વર્ષે 16.70 કરોડ લોકોએ ‘તાજમહેલ’ની મુલાકાત લીધી હતી, જ્યારે 18.10 કરોડ લોકોએ અયોધ્યામાં રામ મંદિરના દર્શન કર્યા હતા. ભારતના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે તાજમહેલ કરતાં વધુ લોકો મંદિરની મુલાકાતે આવ્યા હોય. વર્ષ 2024માં 8.30 કરોડ લોકોએ કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કર્યા હતા. 2.5 કરોડ લોકો આંધ્રપ્રદેશમાં તિરુપતિ મંદિરની મુલાકાત લેવા પહોંચ્યા હતા.
નવા વર્ષ પર દિલ્હીમાં ભારે ટ્રાફિક જામ
નવા વર્ષ નિમિત્તે દિલ્હીમાં અનેક રસ્તાઓ જામ થઈ ગયા હતા. નવા વર્ષના દિવસે સમગ્ર શહેરમાં ધાર્મિક સ્થળો પર ભારે ભીડ એકઠી થઈ હતી. દિલ્હીમાં બાંગ્લા સાહિબ ગુરુદ્વારા, કનોટ પ્લેસના પ્રાચીન હનુમાન મંદિર, અક્ષરધામ મંદિર, ઝંડેવાલન મંદિર, જીટી રોડ પરના ખાટુ શ્યામ મંદિર અને દક્ષિણ દિલ્હીના જગન્નાથ મંદિરમાં પણ ભક્તોની ભીડ એકઠી થઈ હતી.