તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઈમરાને કહ્યુ હતુ કે, જનરલ બાજવા મને ઘણી વખત કહેતા હતા કે, પાકિસ્તાનની સેના ભારત માટે યુધ્ધ માટે તૈયાર નથી.
તેમણે આગળ કહ્યુ હતુ કે હું પીએમ થયો ત્યારે મને ખબર હતી કે મારે સેના સાથે મળીને કામ કરવાનુ છે અને શરૂઆતમાં અમારી વચ્ચે તાલમેલ પણ સારો રહ્યો હતો પણ જ્યારે મેં જનરલ બાજવાને વધારે છૂટ આપી ત્યારથી તકલીફોની શરૂઆત થઈ હતી. આ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી.
ઈમરાનના જણાવ્યા અનુસાર તે પછી જનરલ બાજવા બદલાઈ ગયા હતા. હું કાયદો અને વ્યવસ્થાનુ શાસન ઈચ્છતો હતો અને મેં અનુભવ્યુ હતુ કે, બાજવા ના ઈચ્છે ત્યાં સુધી હું કશું કરી શકવાની સ્થિતિમાં નહોતો. દેશના પાવરફુલ લોકો સાથે બાજવા પહેલેથી સોદાબાજી કરી રહ્યા હતા. અમારી પહેલી પ્રાથમિકતા દેશની ઈકોનોમી હતી છેલ્લા 17 વર્ષના શાસનમાં મારી સરકારે આ મોરચા પર સારૂ પ્રદર્શન કર્યુ હતુ પણ એક તબક્કે જનરલ બાજવાએ પલટી મારી દીધી હતી અને વિરોધીઓના ખોળામાં બેસી રહ્યા હતા.
ભારતે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરી દીધો તેવા સંજોગોમાં પાકિસ્તાન પાસે તમે શું આશા રાખી શકો છો…આ પહેલા મેં ભારત સાથે સબંધો સુધારવા માટે પ્રયત્નો કર્યા હતા. મે પહેલા જ કહ્યુ હતુ કે, ભારત એક ડગલુ આગળ વધશે તો અમે બે ડગલા આગળ વધીશું પણ મારી પાસે ભારતે 370મી કલમ હટાવ્યા બાદ કોઈ રસ્તો બચ્યો નહોતો.
ઈમરાને એક સવાલના જવાબમાં કહ્યુ હતુકે, બાજવા મારી સાથે વાતો કરતા હતા કે પાકિસ્તાની સેના કમજોર થઈ ગઈ છે, ટેન્કો કાટ ખાઈ રહી છે અને ટેન્કો માટે ફ્યુલની પણ તંગી છે. પણ સેના પ્રમુખ તરીકે આ પ્રકારના નિવેદન આપવા એ પણ મૂર્ખામી છે. તેઓ ઘણી વખત આ પ્રકારની વાતો મારી સાથે કરતા હતા પણ તેમણે પત્રકારો સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈતી નહોતી.