બનાસકાંઠા જિલ્લાના કાણોદર-પાલનપુર હાઈવે પર એક ઇલેક્ટ્રિક લોડિંગ રિક્ષામાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. પાલનપુરની એક ખાનગી આઈસ્ક્રીમ કંપનીની ડિલિવરી માટે જઈ રહેલી આ રિક્ષામાં અધવચ્ચે જ આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં સમગ્ર વાહન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું.
ચાલકની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના
આગ લાગતા જ રિક્ષાચાલકે ગભરાવાની જગ્યાએ સમયસૂચકતા દાખવી અને તરત જ રિક્ષામાંથી કૂદી પડ્યો હતો. જેના કારણે તેનો ચમત્કારી રીતે બચાવ થયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હાઈવે પર સળગતી રિક્ષા જોઈ વાહનચાલકોમાં થોડા સમય માટે ડરનો માહોલ સર્જાયો હતો.
શોર્ટ સર્કિટની આશંકા
પ્રાથમિક તપાસ મુજબ, આ આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગ એટલી ભીષણ હતી કે રિક્ષા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સાથે જ તેમાં રહેલો આઈસ્ક્રીમનો જથ્થો પણ નષ્ટ થઈ ગયો છે.
સ્થળ પર હાજર લોકોએ તાત્કાલિક તંત્રને જાણ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં રિક્ષા માત્ર લોખંડના ઢાંચામાં ફેરવાઈ ગઈ હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel