– વિહિપે પોતાનું મેગેઝીન “હિન્દુ સંદેશ” લોન્ચ કર્યું
– વિહિપ કાર્યાલય ઓફિસ નહિ પણ આશ્રમ છે – આલોકકુમારજી
– લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ગૌ હત્યા સામે લડવા ગુજરાત સરકાર ક્ટિબદ્ધ – ગૃહમંત્રી હર્ષ સંઘવી
– દો યા તીન બચ્ચે, હોતે હૈ અચ્છે – આલોકકુમારજી
– સમાજ પણ પોતાની રક્ષા માટે તૈયાર રહે – ડો. જયંતિભાઇ ભાડેસિયા
કર્ણાવતી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૪: આજે “ગીતાજયંતી” ના પવિત્ર દિવસે વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત દ્વારા તેના કાર્યાલય ડો. વણીકર સ્મારક ભવનના પુનઃનિર્માણ કાર્યનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ઉદ્દબોધન કરતા શ્રી અશોકભાઈ રાવલ મંત્રી ડૉ. વણીકર સ્મારક ટ્રસ્ટ અને મંત્રી વિહિપ ગુજરાતે જણાવ્યું કે ડો. વણીકર સ્મારક ભવનએ ગુજરાતમાં હિન્દુત્વનું ચેતના કેન્દ્ર રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના મંત્રી અને સમર્પિત કાર્યકર્તા ડો. વણીકર સાહેબના નામે નિર્મિત આ ભવન સાથે ગુજરાતના અનેકો અનેક કાર્યકર્તાઓ અને સંતોના સુખદ સંભારણા જોડાયેલા છે. આજે પુનઃનિર્મિત થઈ, આ કાર્યાલય આધુનિક સુવિધાઓથી સજ્જ થવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં આ કાર્યાલયમાં મંદિર, પ્રચારકો/અધિકારીઓ માટેના રૂમો, ભોજનાલય, સેમિનાર હોલ, મીટીંગ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. નવી સુવિધાઓથી સુસજજ કાર્યાલય વરસાદી પાણીનો સંગ્રહ, સૌર ઉર્જા, કુદરતી પ્રકાશ – હવા, વાઈફાઈ ઇન્ટરનેટ અને ઈ લાઈબ્રેરી જેવી વર્તમાનની જરૂરિયાતોથી પણ સજ્જ હશે. આ પ્રસંગે દાનની અભૂતપૂર્વ સરવાણી જોવા મળી તથા સંતો દ્વારા આ ભવનના નિર્માણમાં સહયોગ આપનાર દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે ઉદ્દબોધન કરતા રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંધવીએ જણાવ્યું કે ગુજરાત સરકાર લવ જેહાદ, ગૌ હત્યા અને લેન્ડ જેહાદ સામે લડવા કટિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે પાછલા એક વર્ષમાં ગૌહત્યાના ૧૬ કેસોમાં ગુનેગારોને સજા અપાવવામાં ગુજરાત સરકારે સફળતા પ્રાપ્ત કરી છે. પાછલા બે વર્ષમાં દ્વારકા સહિતની પવિત્રભૂમિ લેન્ડ જેહાદથી મુક્ત કરાવી છે, અને મંદિરમાં ચોરીના ૯૪ ટકા કેસો ઉકેલ્યા છે તથા મુદ્દામાલ પણ પરત કર્યો છે.
કાર્યક્રમના અધ્યક્ષ પદે ઉપસ્થિત વિહિપના રાષ્ટ્રીય અધ્યક્ષ આલોકકુમારજીએ જણાવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદનું કાર્યાલયએ ૧૦ થી ૫ સુધી ચાલતી ઓફિસ નથી, પણ એક આશ્રમ છે, જ્યાં સાદગી પૂર્ણ, નિહિત અને કરકસરથી કાર્યકર્તાઓ હિન્દુ હિત અને દેશ હિતનું કાર્ય કરશે. કાર્યાલયને તેમણે ધર્મ કાર્યના નાભિ કેન્દ્ર સાથે સરખાવ્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુ પર થયેલા અત્યાચાર સંદર્ભે ચિંતા કરતા તેમણે જણાવ્યું કે આ બાંગ્લાદેશને હિન્દુ વિહીન કરવાનું ષડયંત્ર છે. તેમણે જણાવ્યું કે વિહિપના આહવાનથી ૧૦૦ દેશોમાં બાંગ્લાદેશ મુદ્દે આવેદન આપવામાં આવ્યું છે. તેમણે આ સંદર્ભે ભારત સરકારના પ્રયત્નોની માહિતી પણ આપી હતી. તેમણે ચીમકી આપતા જણાવ્યું કે જો બાંગ્લાદેશમાં હિન્દુઓનું રક્ષણ નહિ થાય તો અન્ય વિકલ્પો પણ ખુલ્લા છે. સમાન સિવિલ કોડ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે જો ટેક્સ, ક્રિમિનલ લો, અને સિવિલ લો એક હોય તો પારિવારિક કાયદા કેમ સમાન નહિ? જો સંવિધાન સમાન હોય, સંવિધાનમાં મહિલાઓની ગરિમા અને સમ્માનની વાત હોય તો સમાન સિવિલ કોડ જરૂરી છે. ‘જેન્ડર જસ્ટિસ’ સંવિધાનની ભાવના મુજબ છે, માનનીય સુપ્રીમ કોર્ટ મુજબ છે, માટે સમાન સિવિલ કોડ જરૂરી છે અને વિહિપ તેનું સમર્થન કરે છે. હિન્દુઓની ઘટતી જનસંખ્યા વિષે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. આ સમસ્યા સંદર્ભે તેમણે અર્થશાસ્ત્રીય કારણો અને આપણી માન્યતાઓ ટાંકી સુત્ર આપ્યું કે “દો યા તીન બચ્ચે, હોતે હૈ અચ્છે”.
આ સાથે આજે વિશ્વ હિન્દુ પરિષદે પોતાની માસિક પત્રિકા “હિન્દુ સંદેશ” નું પણ વિમોચન કર્યું. આ પ્રસંગે ડૉ. કૌશિકભાઈ મહેતા વિદ્યાવાચસ્પતિ, તંત્રીશ્રી હિન્દુસંદેશએ જણાવ્યું કે આ પત્રિકાના માધ્યમથી થતું સચોટ લેખન સમાજને સાચી દિશા આપશે, તથા શાસન પ્રશાસનને સાંપ્રત સમસ્યાઓ વિષે જાગૃત કરશે.
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ક્ષેત્રના સંઘચાલકજી ડો. જ્યંતિભાઈ ભડેસિયા, પરમ પૂજ્ય સંતોશ્રી ૫. પૂ. સપ્ત્મ કુબેરાચાર્ય ૫. પૂ. જગદ્ ગુરૂ શ્રી અવિચલદેવાચાર્ય મહારાજશ્રી – સારસા પીઠ, ૫. પૂ. મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજજી, જગન્નાથ મંદિર – જમાલપુર, ૫.પૂ. મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદ ભારતી- ભારતી આશ્રમ, સરખેજ, ૫.પૂ. અક્ષરવત્સલ સ્વામી, શ્રી અક્ષર પુરષોત્તમ મંદિર – શાહીબાગ BAPS, ૫.પૂ. કોઠારી ડૉ. સંતવલ્લભ સ્વામી, સ્વામિનારાયણ મંદિર – વડતાલ, ૫.પૂ. કોઠારી ધર્મનંદન સ્વામીશ્રી-SGVP, ૫.પૂ. પુરૂષોત્તમ ચરણ શાસ્ત્રી – સ્વામિનારાયણ ગુરુકુલ, ઝૂંડાલ, ૫.પૂ. ભગવાનદાસ બાપુ 282 પરાગણા વાલ્મીકિ સમાજ આખજ ગાદીપતિ – અમદાવાદ, ૫.પૂ. મહંત શ્રી શાંતિગીરીજી મહારાજ, બિલેશ્વર મહાદેવ વડિયાવીર-ઈડર, સાબરકાંઠા, ૫.પૂ. ગૌભક્ત ચૈતન્ય શંભુ મહારાજ – નવરંગપુરા, શ્રી રણજીતસિંહજી વાસુ-ગુરૂગોવિંદ ધામ, બોડકદેવ, પ.પૂ. કોઠારી શ્રી ધર્મતિલક સ્વામી – BAPS એ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા.
સમારોહના અંતમાં આભારવિધિ કરતા શ્રી અશ્વિનભાઈ પટેલ પ્રમુખશ્રી ડૉ. વણીકર સ્મારક ટ્રસ્ટ અને સહમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતે વિહિપના પાયાના કાર્યકરો અને સંતોને પણ યાદ કર્યા હતા. તેમણે બ્રહ્મલિન પૂજ્ય શંભુ મહારાજ, પદ્મશ્રી કે. કા. શાસ્ત્રીજી, પૂજ્ય સંત શ્રી નારાયણદાસજી મહારાજ – સંતરામ મંદિર, પૂજ્ય સંતશ્રી રામેશ્વરદાસજી મહારાજ- જગન્નાથ મંદિરનો, પદ્મશ્રી ડાયાભાઈ શાસ્ત્રી વગેરેના યોગદાનનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.