લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કાર્યકરો સત્તાધારી પક્ષ ભાજપમાં જોડાઈ રહ્યાનો સિલસિલો યથાવત રહ્યો છે. 5 દિવસ અગાઉ જ કોંગ્રેસના મહુધાના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં વિધિવત રીતે જોડાયા બાદ માતર તાલુકાના કેટલાક કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
જેમાં ખેડા જીલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા બાબુભાઈ રૂમાલભાઈ સોલંકી, બાબુભાઈ.કે.સોલંકી, અશ્વિનભાઈ પરમાર, દિનેશભાઈ સોલંકી, હસમુખભાઈ સોઢા પરમાર ઘનશ્યામભાઈ મકવાણા, પાર્વતીબેન મંગલભાઈ, રતિલાલભાઈ સોલંકી, શંભુભાઈ ગોહેલ સહિત કોંગ્રેસના 26 આગેવાનો અને સામાજીક કાર્યકર હિતેશભાઈ ભરવાડ ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર સ્થિત કમલમમા પ્રદેશ પ્રમુખ સિ.આર. પાટીલની અધ્યક્ષસ્થાને આ તમામ લોકોએ ભાજપાનો કેસરીયો ખેસ પહેર્યો છે. જોડાયેલા તમામ લોકો તાલુકા પંચાયત પૂર્વ સભ્યથી માંડીને ચાલુ સભ્યો, મહિલા કોંગ્રેસ પ્રમુખ તેમજ સરપંચ છે.
મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં કોંગ્રેસનો એક સમયે દબદબો હતો. જે છેલ્લા 15 વર્ષમાં પક્કડ દુર થઇ છે. જિલ્લાના સહકારી માળાખાથી માંડીને રાજકીય ક્ષેત્રમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતુ જે હવે માત્ર એક ભૂતકાળ બની ગયો છે.
સત્તાધારી પક્ષ ભાજપે એક બાદ એક ક્ષેત્રે જિલ્લામાં વર્ચસ્વ જમાવતા કોંગ્રેસના વર્ષો જૂના દિગ્ગજ નેતાઓ સાથે કાર્યકરો હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે. તાજેતરમાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીતસિહ પરમાર અને એ બાદ માતર તાલુકાના 26 જેટલા કોંગી કાર્યકરો ભાજપમાં જોડાતા જિલ્લા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે.