કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. સીબીએસઈએ ધો.10-12ના અભ્યાસક્રમમાં 15 ટકાની કપાત કરી છે. આ સાથે પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવી પ્રક્રિયા મુજબ હવે ઈન્ટરનલ એસાઈનમેન્ટ માટે 40 ટકા માર્ક્સ આપવામાં આવશે, જ્યારે ફાઈનલ પરીક્ષા માટે 60 ટકા માર્ક્સ અપાશે.
હવે ઇન્ટરનલ એસેસમેન્ટ માટે 40 ટકા માર્કસ આપવામાં આવશે
મળતા અહેવાલો મુજબ ઈન્દોરમાં પ્રિન્સિપાલ સમિટ યોજાઈ હતી, જેમાં સીબીએસઈના રિજનલ ઓફિસર વિકાસ કુમાર અગ્રવાલે અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન માં ફેરફાર થયો હોવાની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, સીબીએસઈનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને અભ્યાસક્રણના બોજથી બચાવવાનો અને વિષયને ઊંડાણથી સમજવાની તક આપવાનો છે. બોર્ડે અભ્યાસક્રમમાં કરેલો કપાત વિકસિત શૈક્ષણિક માળખાને અનુરૂપ છે.
2025ની પરીક્ષાઓમાં લાગુ થશે ફેરફાર
તેમણે કહ્યું કે, ‘વર્ષ 2025માં યોજાનાર સીબીએસઈ પરીક્ષાઓ માટેની પેટર્નમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે મુજબ ધોરણ-10 અને ધોરણ-12માં ઈન્ટરનલ એસાઈનમેન્ટ માટે 40 ટકા માર્ક્સ અપાશે, જ્યારે બાકીના 60 ટકા માર્ક્સ ફાઈનલ પરીક્ષાના આધારે અપાશે.
આગામી વર્ષે બે વખત યોજાશે બોર્ડની પરીક્ષા
તેમણે એમ પણ કહ્યું કે, ‘વર્ષ 2025માં યોજાનાર બોર્ડની પરીક્ષા એક જ વખત યોજવાનું આયોજન થઈ રહ્યું છે, જો તે પછી આગામી વર્ષથી બે ટર્મમાં પરીક્ષાઓ યોજવાની તૈયારી છે. આ ફેરફારને અંતિમરૂપ આપવામાં આવી રહ્યું છે અને લોજિસ્ટિક તૈયારીઓ ચાલી રહી છે.
એક્ઝામ ડેટશીટ વહેલી બહાર પડાશે
સીબીએસઈ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 ની એક્ઝામ ડેટશીટ ટૂંક સમયમાં જાહેર કરી દેવાશે. જોકે બોર્ડે હાલ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ ગત વર્ષની પેટર્ન મુજબ એવી આશા છે કે, ડિસેમ્બરમાં જ જાહેર કરી દેવામાં આવશે. ટાઈટેબલ જાહેર થયા બાદ તેને સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.