કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) દેશના 7.5 કરોડ મેમ્બર્સને મોટી રાહત આપી છે. હવે PF ઉપાડની ઓટો સેટલમેન્ટ લિમિટને વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવાઈ છે, જે અત્યાર સુધી એક લાખ રૂપિયા હતી એટલે કે હવે કોઈ ડોક્યુમેન્ટેશન વિના પીએફ એકાઉન્ટ હોલ્ડર આટલી રકમ કાઢી શકશે. આ સાથે જ અત્યાર સુધી જે ક્લેમ સેટલમેન્ટ 10 દિવસમાં થતો હતો તે લગભગ 3-4 દિવસમાં જ થશે. આ સિવાય ઈપીએફઓએ લગ્ન, એજ્યુકેશન અને ઘર ખરીદવા માટે પણ પીએફ ઓટો-ક્લેમની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. પહેલા માત્ર બિમારી અને હોસ્પિટલના ખર્ચ માટે જ PF એકાઉન્ટથી ઓટો ક્લેમ મળતો હતો.
રિપોર્ટ અનુસાર શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા ડાવરાની અધ્યક્ષતામાં CBT ની શ્રીનગરમાં થયેલી બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય એક અન્ય મોટી જાણકારી શેર કરતાં આ બેઠકમાં કહેવામાં આવ્યું કે EPFO સભ્ય હવે આ વર્ષે મે કે જૂનના અંત સુધી યુપીઆઈ અને એટીએમના માધ્યમથી પીએફ કાઢી શકે છે.
આટલી વખત વધારાઈ લિમિટ
ઉલ્લેખનીય છે કે ઈપીએફઓએ એપ્રિલ 2020માં પોતાના સભ્યોને ઓટો-ક્લેમની સુવિધા આપવાનું શરૂ કર્યું હતું જે શરૂઆતી સમયમાં લગભગ 50,000 રૂપિયા સુધી મર્યાદિત હતી. તે બાદ મે 2024માં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન તરફથી PF Auto Claim ની લિમિટમાં વધારો કરવામાં આવ્યો અને તેને 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા સુધી કરી દેવાઈ હતી. હવે આમાં વધુ મોટી રાહત આપવામાં આવી છે અને લિમિટને એક લાખથી 5 લાખ રૂપિયા સુધી કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે.
ક્લેમ રિજેક્શન રેટમાં પણ ઘટાડો
બેઠકમાં જાણકારી શેર કરતાં એ પણ જણાવવામાં આવ્યું છે કે પીએફ ક્લેમ રિજેક્શન રેટમાં પણ સતત ઘટાડો આવ્યો છે અને પહેલા જ્યાં 50 ટકાની આસપાસ ક્લેમ રિજેક્ટ થતાં હતાં તેની સંખ્યા હવે ઓછી થઈને લગભગ 30 ટકા રહી ગઈ છે. EPFO દ્વારા સતત નિયમોને સરળ બનાવવા માટે ઉઠાવવામાં આવી રહેલા પગલાની અસર અહીં જોવા મળી છે.
UPI સુવિધાથી ઓટો ક્લેમમાં સરળતા
ગત દિવસોમાં સચિવ ડાવરાની તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી હતી કે ટૂંક સમયમાં EPFO મેમ્બર્સને ATM ની સાથે-સાથે UPIથી પીએફના રૂપિયા કાઢવાની સુવિધા મળી શકે છે. આ સુવિધાના કારણે ન માત્ર તે સીધા UPI પર પોતાના PF બેલેન્સને જોવામાં સક્ષમ થશે પરંતુ નક્કી રકમ સુધીની નિકાસી પણ કરી શકશે. આ સાથે જ તેમને પોતાની મનપસંદ બેન્કમાં પીએફના પૈસા ટ્રાન્સફર કરવાની પણ સુવિધા મળશે. ડાવરાએ એ પણ કહ્યું હતું કે નવી સુવિધા હેઠળ ક્લેમ પહેલેથી જ ઓટોમેટેડ હશે.