ભાવનગર જિલ્લામાં બનેલા ચર્ચાસ્પદ અને કરુણ લઠ્ઠાકાંડનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ઝેરી કેમિકલયુક્ત દારૂના સેવનથી સર્જાયેલી ગંભીર ઘટનાની નિષ્પક્ષ, તટસ્થ અને પારદર્શક તપાસ કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ ખાસ અરજી કરવામાં આવી છે. અરજીમાં સમગ્ર ઘટનાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં રચાયેલી સ્વતંત્ર તપાસ સમિતિ મારફતે કરાવવાની માગ કરવામાં આવી છે.
એડવોકેટ નીતિન ટી. ગાંધી દ્વારા રજૂ કરવામાં આવેલી પિટિશનમાં લઠ્ઠાકાંડ પાછળ જવાબદાર લોકો, ઝેરી કેમિકલની સપ્લાય ચેઇન, ગેરકાયદેસર દારૂના નેટવર્ક તેમજ પોલીસ અને વહીવટી તંત્રની સંભવિત બેદરકારી સહિતના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
પીડિત પરિવારોને યોગ્ય વળતર આપવાની માંગ
અરજીમાં લઠ્ઠાકાંડનો ભોગ બનેલા લોકો અને મૃતકોના પરિવારો માટે આર્થિક સહાયનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. પીડિત પરિવારોને તાત્કાલિક ધોરણે યોગ્ય વળતર અને જરૂરી સહાય આપવામાં આવે તેવી અપીલ હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી છે.
અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી છે કે ગેરકાયદેસર ઝેરી દારૂના કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હોવાથી પીડિત પરિવારોને માત્ર ન્યાય જ નહીં પરંતુ યોગ્ય આર્થિક સહાય પણ મળવી જરૂરી છે.
ઝેરી કેમિકલના સપ્લાયરો સામે કડક કાર્યવાહીની માગ
પિટિશનમાં ઝેરી કેમિકલનો ગેરકાયદેસર જથ્થો ઉપલબ્ધ કરાવનારા, તેનો દારૂ બનાવવા માટે ઉપયોગ કરનારા તેમજ સમગ્ર નેટવર્કમાં સામેલ અન્ય જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
આ સાથે કેમિકલ કયા સ્ત્રોતમાંથી આવ્યું, કોના મારફતે પહોંચાડવામાં આવ્યું અને ગેરકાયદેસર દારૂના ઉત્પાદન તથા વેચાણ સુધી તેની સાંકળ કેવી રીતે કાર્યરત હતી તેની પણ તટસ્થ તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
પોલીસ અને વહીવટી તંત્રની ભૂમિકા પણ તપાસના દાયરામાં લાવવાની માગ
હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવેલી અરજીમાં માત્ર બુટલેગરો કે ગેરકાયદેસર દારૂના ધંધાર્થીઓ સામે કાર્યવાહી સુધી મામલો મર્યાદિત ન રાખવાની રજૂઆત કરવામાં આવી છે. પોતાની ફરજ નિભાવવામાં ગંભીર બેદરકારી દાખવનારા પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓની ભૂમિકા પણ તપાસના દાયરામાં લેવાની માગ કરવામાં આવી છે.
અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે જો કોઈ અધિકારીની બેદરકારી, નિષ્ક્રિયતા અથવા ફરજમાં ચૂકના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળ્યું હોવાનું સામે આવે તો તેમની સામે પણ નિયમ મુજબ આકરાં પગલાં લેવામાં આવે.
નિવૃત્ત હાઈકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ સમિતિની માંગ
આ કેસમાં સૌથી મહત્વની માંગ સમગ્ર ઘટનાની તપાસ માટે સ્વતંત્ર સમિતિની રચના કરવાની છે. અરજીમાં હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ સમિતિ બનાવી સમગ્ર લઠ્ઠાકાંડની તટસ્થ તપાસ કરાવવા અપીલ કરવામાં આવી છે.
અરજદારનું માનવું છે કે ઘટનાની ગંભીરતા અને તેમાં વિવિધ સ્તરે જવાબદારીના પ્રશ્નોને ધ્યાનમાં લેતા સ્વતંત્ર તપાસથી જ તમામ હકીકતો સ્પષ્ટ રીતે સામે આવી શકશે.
હવે ગુજરાત હાઈકોર્ટ આ અરજી અંગે શું નિર્ણય લે છે અને કેસમાં આગળ કઈ કાનૂની કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે. અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવે તો ભાવનગર લઠ્ઠાકાંડની તપાસ અને જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયામાં મહત્વનો વળાંક આવી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
Like, Share and Subscribe our YouTube channel