ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં દક્ષિણ ભારતીય રાજ્યોમાં શાનદાર દેખાવ કરવા માટેની વ્યુહરચના તૈયાર કરવામાં વ્યસ્ત છે. આના માટે ભાજપની નજર હવે ટોલીવુડના સુપરસ્ટાર કલાકારો પર કેન્દ્રિત થઇ ગઇ છે. ફેન ક્લબને પોતાની તરફેણમાં કરવા માટે આ રણનીતિ પર કામ થઇ રહ્યું છે. મતદારોના મોટા વર્ગના રૂપમાં ફિલ્મી કલાકારોના ફેન્સને આકર્ષિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ચૂંટણીમાં ભાજપ આ રાજ્યોના ફિલ્મ સ્ટારોની પાર્ટી સાથે ગઠબંધન કરવાના પ્રયાસમાં છે. ફિલ્મી કલાકારોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં લાવવાના તમામ પ્રયાસો પણ થઇ રહ્યા છે.
ભાજપના એક મહાસચિવનુ કહેવુ છે કે પાર્ટી તમિળનાડુ, કેરળ, આંધ્રપ્રદેશની 84 પૈકી બે ડઝન સીટો સીટો જીતવાની યોજના ધરાવે છે. પાર્ટી 2019માં ત્રણ રાજ્યોમાં એક પણ સીટ જીતી શકી ન હતી. આના માટે જાતિય સમીકરણ સાધવા માટે મોદીના વિકાસ કાર્યોની સાથે ફિલ્મ સ્ટારોની લોકપ્રિયતાને જોડી દેવાના પ્રયાસો થઇ રહ્યા છે.
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જે રીતે રજનીકાંત, ચિરંજીવી, પ્રભાસ, ધનુષ, મોહનલાલને બોલાવવામાં આવ્યા હતા ભાજપને તેમના લાભ પણ મળવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે કર્ણાટકના વરિષ્ઠ નેતા બાસવરાજ બોમ્મઇએ હાલમા જ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં દક્ષિણના રાજ્યોમાંથી ચોંકાવનારા પરિણામ આવશે.
તામિલનાડુ: થલપતિ વિજયની એન્ટ્રી
ભાજપને ડીએમડીકે તરફથી સમર્થન મળવાની આશા છે. ફિલ્મ સ્ટાર થલપતિ વિજય દ્વારા તમિઝગા વેત્રી કડગમ (ટીવીકે) પાર્ટી બનાવી છે. રાજ્યપાલ સીટી રવિ પણ તમિઝગાની તરફેણ કરે છે. આ દ્રષ્ટિએ ટીવીકે સમર્થકો ને ભાજપની તરફેણ કરવાની બાબત વધારે મુશ્કેલરૂપ રહેશે નહીં.
આંધ્રપ્રદેશ : જૂ. એનટીઆર , ચિરંજીવી
ભાજપ ટીડીપીની સાથે ગઠબંધન કરવાની તૈયારીમાં છે. જૂનિયર એનટીઆર (તારક)મને પણ સામેલ કરવાની તૈયારીમાં છે. તારકની આંધ્ર, તેલંગાણામાં જોરદાર ફેન ફોલોઇંગ છે. ત્યાં ભાજપ ફિલ્મ સ્ટાર પવન કલ્યાણની પાર્ટી જનસેના ની સાથે ગઠબંધનમાં છે. પાર્ટી ચિરંજીવીની પાર્ટી પ્રજા રાજ્યમનુ સમર્થન હાંસલ કરવા પણ ઇચ્છુક છે.
કેરળ : ગોપીસ રામસિમ્હન અબુબકર
ભાજપે ફિલ્મ સ્ટાર ગોપીને રાજ્યસભામાં મોકલ્યા છે. હાલમા જ પીએમ મોદીએ તેમના ત્યા લગ્નમાં હાજરી આપી હતી. મલયાલી નિર્દેશક રામસિમ્હન અબુબકરે ભાજપ સાથે ભલે છેડો ફાડી લીધો હતો પરંતુ પીએમ મોદીને સમર્થન કરવાની વાત સ્વીકારી છે. પાર્ટી મમુટી સાથે સંપર્ક કરવાની રણનીતિ પણ બનાવી રહી છે.
મિશન સાઉથ : સ્ટારની પાર્ટી અન્ય જૂથ સાથે જોડાય તો ફાયદો મળે
ભાજપના મિશન સાઉથની જવાબદારી સંભાલી રહેલા એક વરિષ્ઠ નેતાનું કહેવુ છે કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળમાં ફિલ્મ હસ્તીઓ સાથે જોડાયેલી પાર્ટીઓ મોટા ઊલટફેર કરી રહી નથી. એનટીઆર-એમજીઆરના સમયમાં આ પ્રકારના ફેરફાર થતા હતા. હવે ફિલ્મ સ્ટારો સાથે જોડાયેલી પાર્ટીઓ રાષ્ટ્રીય અથવા તો સ્થાનિક દળ સાથે જોડાય છે તો ફાયદો થાય છે. જેથી ભાજપ આ પક્ષોને પોતાની તરફેણમાં કરવા માટે બનતા તમામ પ્રયાસો કરશે. જેથી પ્રચાર માટે ફિલ્મ સ્ટારોને ઉતારવાની યોજના પણ બનાવી રહી છે.