ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ ઘડી લીધી છે. આ મુદ્દે બુધવારે બે બેઠક મળી હતી. વડાપ્રધાનના નિવાસસ્થાને સાડા પાંચ કલાક ચાલેલી પહેલી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને બી. એલ. સંતોષ હતા. આ બેઠક પૂરી થયા પછી અમિત શાહના ઘરે રાત્રે 12થી 2 વાગ્યા સુધી બેઠક થઈ હતી. દેશને ત્રણ ભાગમાં વહેંચીને કે ચૂંટણી અભિયાન શરૂ કરવાનું આ બેઠકમાં નક્કી કરાયું હતું.
ત્રણેય વિભાગની થીમ પણ જુદી જુદી હશે અને રણનીતિ સંપૂર્ણપણે અલગ હશે. પહેલા ભાગમાં હિન્દી પટ્ટાનાં 10 રાજ્ય, બીજામાં પૂર્વોત્તર અને ત્રીજા ભાગમાં દક્ષિણ ભારતને સમાવાયું છે. સૂત્રોના કહેવા પ્રમાણે પક્ષે બેઠકોને ધ્યાનમાં રાખીને ત્રણ ભાગ પાડવાની નીતિ અપનાવી છે. 4 રાજ્ય માટે રણનીતિ હજી તૈયાર નથી : ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરની લોકસભા બેઠકો માટે ભાજપ અલગથી રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે.
ત્રણે વિભાગ માટે 6, 7 અને 8 જુલાઈએ બેઠકમાં જવાબદારી નક્કી કરાશે
વિભાગ-1 : હિન્દી પટ્ટાનાં 10 રાજ્ય, 225 બેઠક, ભાજપનો ગઢ
હિન્દી પટ્ટા માટે પ્રચારની થીમ હશે, ‘લાભાર્થી મતદાર’. પરંતુ હિન્દુત્વ અને વારસા પરના ગૌરવની અનુભૂતિ કરાવવા પર સમગ્ર ફોકસ રહેશે. આની શરૂઆત કેવી રીતે કરવી, એ નક્કી કરવા માટે 7 જુલાઈએ દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓ મંથન કરશે. આ 10 રાજ્યમાં કુલ 225 બેઠક છે અને તેમાંથી 177 ભાજપની છે.
વિભાગ-2 : પૂર્વોત્તરમાં બંગાળ-ઓડિશા પણ, અહીં 88 સીટ
પૂર્વોત્તરનાં 8 રાજ્ય, પ. બંગાળ અને ઓડિશામાં ભાજપ વિકાસના મુદ્દે આગળ વધશે. એટલે આ વિભાગની થીમ ‘એરા ઑફ ડેવલપમેન્ટ’ હશે. સાથેસાથે વિસ્તારની અસ્મિતા અને ઘૂસણખોરી જેવા મુદ્દા પણ હશે. પૂર્વોત્તર માટેની રણનીતિ અંગે 6 જુલાઈએ ગૌહાતીમાં બેઠક મળશે.
વિભાગ-3 : દક્ષિણમાં 130 બેઠક, અહીં ભાજપની સ્થિતિ નબળી
દક્ષિણ ભારતમાં લોકસભાની કુલ 130 બેઠક છે. અહીંની થીમ ‘દક્ષિણ ગૌરવ’ હશે. એમાં સાંસ્કૃતિક અને ભાષાગત મૂલ્યોનું સંરક્ષણ, હિન્દુઓની પછાત જાતિઓને મહત્ત્વ આપવું અને ધર્માંતરણ-તુષ્ટીકરણ જેવા મુદ્દે રાજકીય હુમલા કરવાની નીતિ પણ સમાવિષ્ટ છે. અહીંની રાજનીતિ અંગે 8 જુલાઈએ ચેન્નાઈમાં બેઠક મળી શકે છે.
પીએમ મોદી સાથે બેઠકમાં ભાજપે લક્ષ્ય નક્કી કર્યાં
- ગત ચૂંટણીમાં જીતેલી બેઠકોમાંથી 80% પર જીતનું અંતર વધારવું.
- પ. બંગાળ, બિહાર, ઓડિશામાં જીતેલી બેઠકોની સંખ્યા વધારવી.
- તમિળનાડુ, કેરળ અને આંધ્રમાં ઓછામાં ઓછી 20 બેઠક જીતવી.
- એનડીએનો વ્યાપ વધારવા માટે દક્ષિણમાં જુનિયર પક્ષ બનવામાં પણ વાંધો નથી.
- દક્ષિણમાં એન્ફ્લ્યુએન્સરો થકી હિન્દીવાદી પક્ષની છબિ તોડવી.