જામનગર મહાનગર પાલિકા (JMC) દ્વારા શહેરને સ્વચ્છ રાખવા રાત્રી સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી.જામનગર કલીન સિટી બને તે માટે ખાસ બે માસનુ અભિયાન શરૂ કરવામાં આવ્યુ. સફાઈની સાથે વિવિધ શાખાઓ પણ કામગીરી કરશે. સાથે લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી અને કોઈ દુકાન પાસે કચરો મળશે, તો દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે.
તહેવાર સમયે સ્વછતા માટે વિશેષ કામગીરી
દિવાળીના તહેવાર પહેલા જેવી રીતે ઘર, દુકાન કે ઓફિસની સફાઈ કરવામાં આવે છે. તેવી રીતે જામનગર મહાનગર પાલિકાએ શહેરમાં દિવાળીની સફાઈનો હાલથી પ્રારંભ કર્યો છે. રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધી ખાસ ટીમ દ્વારા મુખ્ય માર્ગોમાં સફાઈ બે માસ સુધી કરાશે.
નવી ટીમની નવી પહેલ
જામનગર મહાનગર પાલિકામાં થોડા સમય પહેલા યુવા શિક્ષિત હોદ્દેદારોએ સુકાન સંભાળ્યુ છે. નવી ટીમના પાંચેય હોદ્દેદારોએ દૈનિક સ્વચ્છતાને લગતી ફરીયાદોના કાયમી ઉકેલ માટે તેમજ જામનગરને કલીન સિટી બનાવવા માટે નેમ લીધી છે. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા દ્વારા પાંચ હોદ્દેદારોને સાથે રાખી અધિકારી સાથે બેઠક કરી તેના ઉકેલ માટેનુ આયોજન કરવામાં આવ્યુ. જે માટે ખાસ રાત્રી સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ કામગીરી માટે પુરતો સ્ટાફ એટલે કે 64 લોકોને ફરજ પર મુકાયા છે. પુરતા વાહનો એટલે કે કચરો ઉપડવા માટે 4 વાહન અને ટ્રેકટર સહિતના વાહન આપવામાં આવ્યા છે. સફાઈ અને સલામતી માટેના સાધનો જેમાં ઝાડુ, બ્રસ, કચરો ઉપડવા બેગ, રાત્રીના કામ કરતા કામદારો માટે રેડીયમવારી કોટી સહીતની વસ્તુઓ આપવામાં આવી છે.
4 ઝોનમાં કામગીરી
શહેરના કુલ 16 વોર્ડને 4 ઝોનમાં રાત્રી સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે માટે ખાસ 64 લોકોની ચાર ઝોનમાં ટીમ બનાવી છે. જે દૈનિક રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધી નિયત કરેલા વિસ્તારમાં સફાઈ કરશે. શહેરના મુખ્ય માર્ગોના 42 રૂટ નિયત કરાયા છે. જેમાં વોર્ડ અને ઝોન મુજબ એકાત્રે તે વિસ્તારમાં રાત્રી સફાઈ થાય તે માટેનુ આયોજન કરવામાં આવ્યુ છે. રાત્રી સફાઈ માટે નવા રોજદારો રાખવામાં આવ્યા છે. શહેરમાં દિવસ દરમિયાન તો સફાઈની કામગીરી નિયમિત થશે. સાથે રાત્રીના ખાસ ટીમ શહેરને સ્વચ્છ રાખવાની નેમ સાથે કામ કરે છે.
લાઈટ શાખા, એસ્ટેટ શાખા સહીત વિવિધ ટીમ સાથે રહેશે
રાત્રી સફાઈ હોવાથી તે વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટની મુશેકલી હોય તે ત્યારે દુર કરવાની કામગીરી લાઈટ શાખાને આપવામાં આવી છે. જેથી સફાઈની સાથે લાઈટ માટે નાગરીકોએ ફરીયાદ કરવાની રાહ નહી જોવી પડે. આ રાત્રી સફાઈની સાથે એસ્ટેટ વિભાગ પણ સાથે જોડાશે. દરેક વોર્ડના કોર્પોરેટર તે કામગીરી નિરીક્ષણ કરશે. શહેર સ્વચ્છ રહે અને લોકો સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે. જો દુકાનની આસપાસ કચરો જોવા મળશે તો દંડાત્મક કાર્યવાહી કરાશે.
સેવાકીય સંસ્થા રાત્રી સફાઈમાં સહભાગી
શહેરને સ્વચ્છ રાખવા માટે શરૂ થયેલી પહેલમાં સેવાકીય સંસ્થા જોડાઈ છે. રાત્રીના કામ કરતા લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મોડીરાત્રે કામ કરતા લોકોને નાસ્તો, ચા મળી રહે તે માટે સેવાકીય સંસ્થાઓ મદદ કરી રહી છે. એક દિવસ જૈન સમાજ સંસ્થા દ્વારા કામદારોને ફુડ પેકેટ આપવામાં આવ્યા હતા. બીજા દિવસે જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા ફુડ પેકેટ આપવામાં આવ્યા હતા.