કપડવંજ તાલુકાના સોરણા તાબે ડંગાની મુવાડી સીમ વિસ્તારમાંથી પસાર થતી નહેરમાં ગુરૂવારે સાંજના 5:30 કલાકના અરસામાં નહેરના સર્વિસ રોડ ઉપરથી પસાર થતી એક કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર નહેરમાં ખાબકી હતી. જેને ફાયર અને પોલીસના જવાનોએ 20 કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢી હતી.

મળતી માહિતી મુજબ કાર ચાલક શંકરભાઈ પુરોહિત (ઉંમર 43) (ભૂળ. રાજસ્થાન) સાલોડ સીમ વિસ્તારમાં આવેલી સિમેન્ટના બ્લોક બનાવતી કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હતાં. તેઓ ગુરુવારે કંપનીની કાર લઈ કપડવંજ કોઈ કામ અર્થે આવ્યા હતા અને પરત જતી વખતે અસ્માત નડ્યો હતો. કાર ચાલકે કાબુ ગુમાવતા કાર નહેરમાં ખાબકી હતી. નજરે જોનારા લોકોએ આ અંગે જણાવ્યું હતું કે, કાર સીધી નહેરમાં ખાબકી હતી અને કારમાં રહેલ ચાલક કાર પર ચઢી ગયો હતો અને બચાવો બચાવોની બૂમો પાડતો હતો, પરંતુ તે સમયે કોઈ તરવૈયા હાજર ન હોવાને કારણે ગણતરીની મિનિટોમાં જ કારચાલક કાર સાથે નહેરના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને પગલે કપડવંજ ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો તેમ જ કપડવંજ મામલતદાર અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. વાત વાયુવેગે કપડવંજ પંથકમાં પ્રસરતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળ પર ઉમટી પડયા હતા. મોડી રાત સુધી નહેરમાં કાર અને કાર ચાલકને શોધવા તરવૈયાઓની ટીમ ઉતરી હતી, પરંતુ કોઈપત્તો લાગ્યો ન હતો. પરંતુ આજે સવારે ફરી સર્ચ ઓપરેશન હાથ ધરતાં કાર મળી આવી હતી. જો કે કાર ચાલકનો હજી પતો લાગ્યો નથી. ફાયર અને પોલીસના જવાનો ધ્વારા કારચાલકની શોધખોળ ચાલુ છે.