ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં આયોજિત ઈન્ડિયન મેરિટાઈમ હેરિટેજ કોન્કલેવ-2024માં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપેલ પોર્ટ-લેડ ઈકોનોમીના મંત્રને ગુજરાતે સફળતાપૂર્વક પોર્ટ-લેડ ડેવલપમેન્ટ મોડલ દ્વારા અમલમાં મૂક્યો છે. ગુજરાત આજે દેશમાં સૌથી વધુ 38% કાર્ગો હેન્ડલિંગ કરવા માટે અગ્રેસર છે, જે રાજ્યના મેરિટાઈમ હેરિટેજના પુનર્જીવન માટે મહત્વપૂર્ણ છે.
કોન્કલેવ-2024ના ઉદઘાટન સત્રમાં મુખ્યમંત્રીએ ગુજરાતના પોર્ટ સેક્ટરમાં થયેલા પ્રગતિશીલ વિકાસ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અને વૈશ્વિક કનેક્ટિવિટી માટેના પ્રયાસોની વાત કરી.
મુખ્ય હાઇલાઇટ્સ:
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા દ્વિ-દિવસીય કોન્કલેવનો ઉદઘાટન કરવામાં આવ્યો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની પુરાતન અને ભવ્ય દરિયાઈ વિરાસતની વિશેષતાનો ઉલ્લેખ કરતાં કહ્યુ કે, સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવતું ગુજરાત હજારો વર્ષોથી સમુદ્રી માર્ગે વેપાર-વાણિજ્ય, સાંકૃતિક આદાન-પ્રદાન અને નવિનતાની તકો પુરી પાડે છે.તેમણે ઉમેર્યું કે, પ્રાચીન કાળના ધમધમતા બંદરોથી લઈને વર્તમાનમાં આધુનિક હાઈટેક મેરિટાઈમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પરિણામે ગુજરાત ગ્લોબલ કંપનીઝ અને ઈન્વેસ્ટર્સ માટે પ્રથમ પસંદ બન્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાજ્યના પુરાતન બંદરગાહ લોથલમાં નિર્માણ થનારું સૌથી મોટું નેશનલ મેરિટાઈમ હેરિટેજ મ્યુઝિયમ અને લાઈટહાઉસ મ્યુઝિયમ તેમજ ઓપન એક્વાટિક ગેલેરી વગેરે આધુનિક આયામો મેરિટાઈમ સેક્ટરમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’નું દિશા દર્શન કરાવશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત @2047ના વડાપ્રધાનના સંકલ્પને પાર પાડવામાં મેરિટાઈમ સેક્ટરની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, વિકસિત ભારતના સંકલ્પમાં અગ્રેસરતાની નેમ સાથે ગુજરાતે 2047 સુધીમાં 2000 MMTPA કાર્ગો હેંડલિંગનું લક્ષ્ય રાખ્યું છે.આ હેતુસર, ઈન્ફ્રાસ્ક્ચર ડેવલપમેન્ટમાં ઈન્વેસ્ટમેન્ટ, ગ્રીનફિલ્ડ પોર્ટ્સ ડેવલપમેન્ટ અને તેના મોર્ડેનાઈઝેશન તેમજ એક્સપાન્સન પર રાજ્ય સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે. તેની પણ વિસ્તૃત ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.
આ કોન્કલેવમાં સંબંધિત કેન્દ્રિય મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ તેમજ વિવિધ રાજ્યોના અધિકારીઓ, પ્રતિનિધિઓ પણ સહભાગી થયા હતા.