મણિપુરમાં ચાલી રહેલાં તોફાનોમાં ચાઇના બનાવટની પ્રતિબંધિત કેનબો બાઇકનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. તોફાનગ્રસ્ત પર્વતીય જિલ્લા ઉખરુલ અને કમ્ઝોંગમાં કેનબો બાઇકનો બેરોકટોક ઉપયોગ થઈ રહ્યો છે.
અહીંના પર્વતીય વિસ્તારોમાં મોટી સંખ્યામાં 125 સીસીની બાઇક છે. ઓછા મેઇન્ટેનન્સ ખર્ચવાળી આ બાઇક 25 હજાર રૂપિયામાં સરળતાથી મળી જાય છે. અન્ય ભારતીય બાઇક કરતાં લગભગ ચોથા ભાગની કિંમતે આ બાઇક વેચાય છે. નંબર વગરની આવી બાઇક પોલીસ જપ્ત કરે તોપણ કોઈ વધુ નુકસાન થતું નથી.
મણિપુરનાં તોફાનોમાં જપ્ત કરાયેલાં ટૂ વ્હીલર્સમાં પણ 50 ટકાથી વધુ કેનબો બાઇક જ છે. જોકે ભારત-મ્યાનમાર સરહદ નજીકના જિલ્લા ઉખરુલ, ક્મ્જોંગ સહિત ટેંગ્નોઉપાલ અને ચુરાચાંદપુરમાં પોલીસે આ બાઇકને જપ્ત કરતાં પહેલાં કોઈ મોટું અભિયાન પણ શરૂ કર્યું નથી.
મણિપુરમાં બાઈક એસેમ્બલ થાય છે
ચીનના યુનાન્ન વિસ્તારમાંથી બાઇકના પાર્ટ્સ થાઇલૅન્ડ થઈને મ્યાનમારથી મણિપુરમાં ખાસ ‘ડીલર્સ’ પાસે પહોંચે છે અને ત્યાં જ એસેમ્બલ થાય છે. ઉખરુલ અને કમ્જોંગમાં દર ત્રણમાંથી 2 કેનબો બાઇક છે. અહીં અન્ય ભારતીય બાઇકનું કોઈ આઉટલેટ નથી.
6 જિલ્લામાં 12 બંકર અને IED નષ્ટ
સુરક્ષાદળોએ 24 કલાકમાં ઇમ્ફાલ પૂર્વ, બિષ્ણુપુર, ચુરાચાંદપુર સહિત 6 જિલ્લામાં 12 બંકરે અને આઇઇડીને નિષ્ક્રિય કરીને નષ્ટ કર્યા હતા. અત્યાર સુધીમાં 1100 હથિયાર, 12702 કારતૂસ અને 250થી વધુ બૉમ્બ જપ્ત કરાયા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુર અંગે લેવાઈ રહેલાં પગલાં અને વર્તમાન સ્થિતિની વિગતવાર માહિતી આપી હતી.