માલદીવમાં હાલ સરકાર બદલાઈ છે. જેમાં મોહમ્મદ મુઈઝુએ 17 નવેમ્બરે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. આ શપથ સમારોહમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ હાજરી આપી હતી. પરંતુ હાલ મુઈઝુનું માલદીવના રાષ્ટ્રપતિ બનવું એ ભારત માટે ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે મુઈઝુએ આખી ચુંટણી ‘ઇન્ડિયા આઉટ’ના કેમ્પેઈન હેઠળ લડી છે. તેઓ માલદીવમાંથી ભારતીય સૈનિકોને કાઢવાની ઈચ્છા ધરાવે છે. રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ પણ તેમણે કિરેન રિજિજુને પણ સૈનિકોને પાછા બોલાવવા બાબત વાત કરી હતી.
મુઈઝુને ચીનનો સમર્થક માનવામાં આવે છે
આ ઉપરાંત મુઈઝુની સરકારે ભારત સાથે થયેલા 100 થી વધુ કરારોની સમીક્ષા કરવાનો પણ નિર્ણય લીધો છે. મુઈઝુને ચીનનો સમર્થક માનવામાં આવે છે. જો કે પોતે આ વાતથી ઇન્કાર કરે છે. પોતે ચીન તરફી હોવાના સવાલ પર મુઈઝુએ કહ્યું હતું કે, ‘મારી પ્રથમ પ્રાથમિકતા માલદીવ અને તેની સ્થિતિ છે. અમે માલદીવ તરફી છીએ. કોઈપણ દેશ જે અમારી માલદીવ તરફી નીતિનો આદર કરે છે અને તેનું પાલન કરે છે તે માલદીવનો નજીકનો મિત્ર ગણી શકાય.
મોહમ્મદ સોલિહ હતા ચીનના વિરોધી
મુઈઝુ પહેલાના માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહ હતા, જેમના કારણે ભારત અને માલદીવના સંબંધો ખુબ જ સારા હતા. તેમને ચીનના વિરોધી માનવામાં આવતા હતા. 90 હજાર ચોરસ કિમીમાં ફેલાયેલા માલદીવમાં જમીન વિસ્તાર માત્ર 300 ચોરસ કિમી જ છે. જેમાં 1200થી વધુ દ્વીપ સમુદ્રમાં ફેલાયેલા છે.
ભારત અને માલદીવનું રાજકારણ
1965 માલદીવ બ્રિટનથી આઝાદ થયું અને ત્યારબાદ 2008 સુધી ત્યાં સિંગલ પાર્ટી સિસ્ટમ જ અનુસરવામાં આવતી. ત્યારબાદ લોકમતને ધ્યાનમાં રાખીને દર પાંચ વર્ષે ત્યાં રાષ્ટ્રપતિ ચૂંટાઈ છે. ઇબ્રાહિમ નાસિર 1968 થી 1978 સુધી માલદીવના રાષ્ટ્રપતિ હતા. ત્યારબાદ મૌમૂન અબ્દુલ ગયૂમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. ગયૂમ 2008 સુધી એટલે કે 30 વર્ષ સુધી સત્તા પર રહ્યા. આ સમય દરમિયાન, 1988માં સેનાએ તેમને હટાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. તે સમયે ભારતે સેના મોકલીને ગયૂમની સરકારને બચાવી હતી.
2008માં નવું બંધારણ અમલમાં આવતા મલ્ટી પાર્ટી સિસ્ટમ બની. જેથી 2008માં મોહમ્મદ નાશિદ સત્તા પર આવ્યા. તેઓ પહેલા ભારત તરફી હતા પરતું સમય જતા તેઓ ચીન તરફી થયા. ત્યારબાદ 2013માં અબ્દુલ યામીન રાષ્ટ્રપતિ બન્યા. તે ચીનના કટ્ટર સમર્થક હતા. તેમની જ સરકારમાં માલદીવ જિનપિંગના બેલ્ટ એન્ડ રોડ ઈનીશીએટીવમાં સામેલ થયું. ત્યારબાદ 2018માં ઈબ્રાહીમ મોહમ્મદસોહિલ રાષ્ટ્રપતિ બન્યા જેઓ ભારત તરફી હતા.
ભારત માટે શા માટે માલદીવ છે મહત્વનું?
માલદીવને ભારતનો સૌથી નજીકનો પડોસી ગણી શકાય , કારણ કે બંને વચ્ચે લગભગ 2000 કિમીનું જ અંતર છે. તેમજ તે હિંદ મહાસાગરમાં આવેલું છે ભારત, ચીન અને જાપાનને એનર્જી સપ્લાય કરતા શિપિંગ લેન પણ માલદીવના દ્વીપની નજીક જ આવેલા છે. તે તેને ભારત માટે ખાસ બનાવે છે.
લગભગ દોઢ દાયકા પહેલા ચીને હિંદ મહાસાગરમાં નૌસેનાના જહાજો મોકલવાનું શરૂ કર્યું હતું. તેના કારણે માલદીવ વૈશ્વિક ભૌગોલિક રાજનીતિમાં વધુ મહત્વપૂર્ણ બન્યું. યામીનની સરકાર દરમિયાન માલદીવ ચીનની ખૂબ નજીક આવી ગયું હતું. તેમજ માલદીવની આર્થિક સ્થિતિ પણ નોંધપાત્ર રીતે કથળી હતી. ભારત અને પશ્ચિમી દેશોએ માનવાધિકાર ઉલ્લંઘનના આરોપોને કારણે માલદીવને લોન આપવાનો ઇનકાર કર્યો હતો. અંતે ચીને જ તેને મદદ કરી હતી. જેમાં યામીન સરકારે ચીન પાસેથી ખુબ વધુ પ્રમાણમાં લોન લીધી.
આ ઉપરાંત માલદીવ SAARCનો પણ સભ્ય દેશ છે. આથી આ પ્રદેશમાં ભારતે પોતાના પ્રભુત્વ જમાવી રાખવા માટે માલદીવના સાથની પણ જરૂર છે. 2016ના ઉરી હુમલા બાદ પાકિસ્તાનમાં સાર્ક સમિટ થઇ, જેને ભારતે બાયકોટ કરવાની અપીલ કરી હતી. જેમાં ભારતનો સાથ દેનાર એકમાત્ર દેશ માલદીવ હતો.
માલદીવને પણ ભારતની છે જરૂર
ભારતે પણ હંમેશા માલદીવનું સમર્થન કર્યું છે અને આ પ્રક્રિયા 1965માં માલદીવની સ્વતંત્રતા સાથે શરૂ થઈ હતી. માલદીવને સૌપ્રથમ માન્યતા આપનાર દેશોમાં ભારત એક હતું. 1972 માં, ભારતે માલદીવની રાજધાની માલેમાં તેના મિશનની સ્થાપના કરી. આ ઉપરાંત 26 ડિસેમ્બર 2004માં સુનામી સમયે પણ ભારતે 10 કરોડ રૂપિયા આપીને માલદીવની મદદ કરી હતી.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માલદીવના મોટા ફાઈનાન્સર માંથી એક રહ્યું છે. તેના કારણે જ માલદીવની ઈકોનોમી મજબુત બની છે. આ ઉપરાંત ભારતના કારણે માલદીવની ડીફેન્સ પણ મજબુત થઇ છે. જેમાં ભારતે માલદીવના દોઢ હજારથી વધુ સૈનેકોને ટ્રેનીંગ આપી છે. તેમજ ભારતે માલદીવને 2010 અને 2013માં હેલીકોપ્ટર અને 2020માં એક નાનું એરક્રાફ્ટ પણ ભેટમાં આપેલું છે.
આ સિવાય ભારતે માલદીવના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં પણ ઘણી મદદ કરી છે. ભારતે ત્યાં હોસ્પિટલથી લઈને ક્રિકેટ સ્ટેડિયમ, બ્રિજ, રોડ, મસ્જિદ અને કોલેજ બધું જ બનાવ્યું છે. એક અંદાજ મુજબ, ભારતે 2018 અને 2022 વચ્ચે રૂ. 1100 કરોડથી વધુની સહાય પૂરી પાડી છે. આ ઉપરાંત માલદીવની ઈકોનોમી ટુરીઝમ પર નિર્ભર છે. મોટી સંખ્યામાં ભારતીયો માલદીવની મુલાકાત લે છે. જેના કારણે માલદીવ અને ભારત વચ્ચે 50 કરોડ રૂપિયાથી વધુનો વાર્ષિક વેપાર પણ થાય છે.