છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભયાનક અથડામણ ચાલી રહી છે, જેમાં નવ નક્સલવાદીઓ ઠાર થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઠાર થયેલા નક્સલીઓના મૃતદેહો કબજે કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે હજુ પણ સામસામે ગોળીબાર ચાલી રહ્યો છે. ઠાર નક્સલીઓ પાસેથી અનેક હથિયારો મળી આવ્યા છે.
અગાઉ ગરિયાબંધમાં 14 નક્સલીઓ ઠાર કરાયા હતા
આ પહેલા સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. નક્સલ પ્રભાવિત ગરિયાબંધ જિલ્લામાં થયેલી અથડામણાં સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી હતી. જવાનોએ કુલ્હાડી ખીણ સ્થિત ભાલૂ ડિગ્ગી જંગલમાં 14 નક્સલીઓને ઠાર કર્યા હતા અને અહીંથી અનેક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. CRPFના કોબરા યુનિટના એક જવાન પણ ઘાયલ થયા હતા.
ગત વર્ષે 219 નક્સલી ઠાર કરાયા
12 જાન્યુઆરી 2025ના રોજ, બીજાપુર જિલ્લાના મદ્દેડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા કર્મચારીઓ સાથે અથડામણમાં બે મહિલાઓ સહિત પાંચ માઓવાદીઓ માર્યા ગયા હતા. ગયા વર્ષે, સુરક્ષા દળોએ રાજ્યમાં વિવિધ એન્કાઉન્ટરમાં 219 નક્સલીઓને ઠાર માર્યા હતા.