પ્રારંભમાં કલેકટર પ્રવીણ ચૌધરીએ સમિતિના સભ્યોનો આવકાર કર્યો હતો.
આણંદ શુક્રવારે સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ લોકોના પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યાં છે, જેના ભાગરૂપે આજે સર્કિટ હાઉસ, આણંદ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની આણંદ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ હતી. સમાન સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે UCC સમિતિ દ્વારા નાગરિકો, અગ્રણીઓ, જન પ્રતિનિધિઓ, વિવિધ ધર્મના અગ્રણીઓના પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં UCC કાયદાના અમલ માટે રાજ્ય સરકાર દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે.
આણંદ ખાતે સમાન સિવિલ કોડ સમિતિના સભ્યોશ્રી સી.એલ.મીણા અને આર.સી. કોડેકરની અધ્યક્ષતામાં આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સાધુ-સંતો અને નાગરિકો સાથે બેઠક યોજી હતી.
સમિતિના સભ્ય સી.એલ. મીણાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખુબ જ જરૂરી છે. સમાનતા, મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને UCC નો મુસદ્દો તૈયાર કરવામાં આવશે. નાગરિકો પાસેથી મળેલા અભિપ્રાયોના અભ્યાસ બાદ સમિતિ UCC અંગેનો વિસ્તૃત અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરશે.
મીણાએ ઉમેર્યું કે રાજ્યનો કોઈપણ નાગરિક યુસીસી કાયદા માટે યુસીસી કમિટી, કર્મયોગી ભવન, બ્લોક નંબર – ૧,છઠ્ઠા માળ, સેક્ટર ૧૦- એ, ગાંધીનગર ખાતે પત્ર દ્વારા પોતાના વિચારો મંતવ્યો રજૂ કરી શકાશે. આ ઉપરાંત યુસીસી કાયદાના પોર્ટલ http://uccgujarat.in ઉપર પણ પોતાના સૂચન રજૂ કરી શકશે. આણંદ જિલ્લાના વધુમાં વધુ નાગરિકો આ કાયદા સંબંધે પોતાના મંતવ્ય રજૂ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં સાંસદ મિતેશભાઇ પટેલે યુસીસી કાયદો વહેલામાં વહેલી તકે લાગુ કરવો જોઈએ તેમ જણાવ્યું હતું.
સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો.નિરંજન પટેલ, ચારૂતર વિદ્યામંડળના પ્રોવોસ્ટ હેમંત ત્રિવેદી, જિલ્લાના સાધુ સંતો, તબીબો, વકીલો, સામાજિક કાર્યકરો, રોટરી ક્લબ વિઠ્ઠલ ઉદ્યોગ નગર એસોસિએશનના પ્રમુખ દ્વારા લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારો, નાણાંકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર UCC સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતાં.
આ બેઠકમાં મનપા કમિશનર મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર આર.એસ દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.