દેવી-દેવતાની પૂજા માટે કાશી વિશ્વનાથ ટ્રસ્ટ વ્યવસ્થા ગોઠવશે. ઉલ્લેખનીય છે કે, જ્ઞાનવાપી શિવાલયની બાજુમાં કાશી વિશ્વનાથ મંદિર છે અને ટ્રસ્ટ તેનું સંચાલન કરે છે. હિંદુ પક્ષકારોનો દાવો છે કે, મંદિરનો અમુક હિસ્સો તોડીને મસ્જિદ બાંધવામાં આવી છે.
શૈલેન્દ્ર પાઠકે કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, તેમના દાદા પુજારી સોમનાથ વ્યાસ 1993માં જ્ઞાનવાપીનું ભોંયરું સત્તાવાળા દ્વારા બંધ કરાયું ત્યાં સુધી પૂજા કરતા હતા. પાઠકે દેવી-દેવતાની પૂજા માટે મંજૂરી માંગી હતી.
વકીલ મદનમોહન યાદવે જણાવ્યું હતું કે, “મસ્જિદ સંકુલમાં વઝુ ખાનાની સામે નંદીની મૂર્તિ પહેલાં મુકાયેલા બેરિકેડ દૂર કરવામાં આવશે. જેથી અરજદાર પૂજા કરી શકે”. હિંદુ પક્ષના વકીલે જણાવ્યું હતું કે, “6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદ ધ્વંસને પગલે ઉત્તરપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના શાસન કાળમાં ૧૯૯૩માં જ્ઞાનવાપીના ભોંયરામાં દેવી-દેવતાની પૂજા બંધ કરવામાં આવી હતી”. મુસ્લિમ પક્ષે દલીલ કરી હતી કે, “ભોંયરુ મસ્જિદ સંકુલનો ભાગ છે અને એટલે પૂજા કરવાની મંજૂરી આપવી જોઇએ નહીં.”
વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ આલોક કુમારે કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આજે કાશીની કોર્ટના ચુકાદાથી દરેક હિંદુનું હૃદય ખુશીથી ભરાઈ ગયું છે.” તેમણે કોર્ટના નિર્ણય બદલ હિંદુ સમાજને અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે “કોર્ટના ચુકાદા પછી જ્ઞાનવાપી કેસનો નિર્ણય પણ ઝડપથી આવશે. અમને વિશ્વાસ છે કે પુરાવા અને તથ્યોને આધારે ચુકાદો હિંદુઓની તરફેણમાં રહેશે.” વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગયા વર્ષની ૨૧ જુલાઈએ એએસઆઈને જ્ઞાનવાપીનો વિસ્તૃત વૈજ્ઞાનિક સરવે કરવાનો આદેશ આપ્યો હતો.
અગાઉ ડિસેમ્બરમાં જ્ઞાનવાપી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને મોટો આંચકો આપ્યો હતો. કોર્ટે મંગળવારે ૧૯૯૧ના કેસની સુનાવણીને પડકારતી પાંચ અરજીઓ રદ કરી હતી અને કેસની ઝડપી સુનાવણીનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે વારાણસીની જિલ્લા ટ્રાયલ કોર્ટને છ મહિનામાં કેસનો ચુકાદો આપવા જણાવ્યું હતું. કોર્ટે કાશી વિશ્વનાથ જ્ઞાનવાપી કેસને પડકારતી સુન્ની સેન્ટ્રલ વક્ક બોર્ડ અને અંજુમન ઇતજામિયા મસ્જિદ સમિતિની અરજીઓ ફગાવી દીધી હતી. તાજેતરમાં અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે ત્યારે લોકસભા ચૂંટલી પહેલાં જ્ઞાનવાપીનો ચુકાદો રાજકીય રીતે પણ મહત્વનો રહેશે.