બીચ ખાતે રેસ્ટ હાઉસ અને શૌચાલયની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે: ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ
તા.૨૪ અને ૨૫મી ફેબ્રુ. સુધી સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સુવાલી દરિયા કાંઠે બે દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલ યોજાશે, ત્યારે અડાજણ બસ ડેપોથી સુવાલી બીચ વચ્ચે રોજિંદી બસ સેવાનો શુભારંભ થયો છે. ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ સુવાલી બીચથી અડાજણ બસ ડેપો સુધીના રૂટની ડેઇલી બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, બીચ ફેસ્ટિવલ માટે તમામ તૈયારી પૂરી કરી દેવામાં આવી છે. સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચર્સ સ્પોર્ટ્સ છે, તો ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓ, વન વિભાગ તથા સખીમંડળોના સ્ટોલ્સ પણ ઉપલબ્ધ થશે. બાળકોના મનોરંજન માટે વિશેષ આયોજન છે. સુરતની સ્વાદપ્રિય જનતા માટે ફુડ કોર્ટની વ્યવસ્થામાં નાગલીની વાનગી/ડાંગી ડિશ/ઉંબાડિયુ જેવી પરંપરાગત વાનગીઓ સાથે વિવિધ વાનગીઓના ફુડ સ્ટોલ રહેશે. પરિવાર-મિત્રો સાથે યાદોને કેપ્ચર કરવા ફોટો કોર્નર એટલે કે સેલ્ફી પોઈન્ટ તથા બાળકો માટે મનોરંજન ઝોન ઉભા કરાયા છે. અહીં દેશી અને પરંપરાગત રમતોનો આનંદ પણ માણવા મળશે.
વધુમાં સંદિપભાઈએ જણાવ્યું હતું કે, આજરોજ સુડાએ સુવાલી બીચના વિકાસ માટે વધુ ૧૦ કરોડ રૂપિયા ફાળવ્યાં છે. આ સાથે જ સુડાએ અત્યાર સુધીમાં સુવાલી બીચના વિકાસ માટે કુલ ૨૦ કરોડ ફાળવ્યા છે. જ્યારે બીજા તબક્કામાં શેષ રાશિ રાજ્યસરકાર દ્વારા ફાળવાશે.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ તૃપ્તિબેન પટેલ, અગ્રણીઓ કિશન પટેલ, કરશન પટેલ, વિવિધ વિભાગનાં અધિકારીઓ, આસપાસના ગામના સરપંચો, સંગઠન હોદ્દેદારો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
શનિવાર અને રવિવારે એસટીની ૧૮ અને પાલિકાની ૧૮ મળી કુલ ૩૬ બસ દોડાવાશે
આ શનિવાર અને રવિવારે બીચ ફેસ્ટિવલ હોવાથી સુરત એસટીએ મોરાની રોજિંદી દોડાવાતી ૧૮ જેટલી ટ્રીપને સુવાલી સુધી લંબાવી દીધી છે. જ્યારે મનપા શહેરના વિવિધ વિસ્તારમાંથી ૧૮ ટ્રીપ દોડાવશે. આમ બે દિવસ એસટી અને મનપા સમગ્ર દિવસમાં કુલ કુલ ૩૮થી ૪૦ બસ દોડાવશે. રવિવારે પણ વહેલી સવારે ૦૭:૦૦ કલાકથી અડાજણ બસ ડેપોથી સુવાલી બીચની બસ ઉપડશે. અને સાંજે ૦૭:૦૦ કલાકે સુવાલી બીચથી અડાજણ બસ ડેપોના રૂટની બસ ઉપડશે.